(Photo by Christopher Furlong/Getty Images)

બ્રિટનના પાંચ મોટા હિન્દુ સંગઠનોએ તા. 30 ડિસેમ્બરના રોજ પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વાહ ક્ષેત્રમાં હિન્દુ મંદિરના વિનાશ પછી વડા પ્રધાન બોરિસ જોન્સનને પત્ર લખીને વિનંતી કરી છે કે તેઓ પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનને પાકિસ્તાનમાં હિન્દુઓ પરના થતા અત્યાચારને રોકવા માટે “શક્ય તેટલું બધું કરે”.  પત્રમાં જોન્સનને આ મુદ્દે સરકારી તપાસ ગોઠવવા અને યુ.એન. દ્વારા લોકશાહીઓને સમાન પ્રકારની તપાસ કરવા વિનંતી કરી છે.

યુકેમાં હિન્દુઓની છત્ર સંસ્થાઓ હિન્દુ કાઉન્સિલ યુકે, હિન્દુ ફોરમ ઑફ બ્રિટન, નેશનલ કાઉન્સિલ ઑફ હિન્દુ ટેમ્પલ્સ યુકે, વિશ્વ હિંદુ પરિષદ અને હિન્દુ સ્વયંસેવક સંઘ દ્વારા લખવામાં આવેલા પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે “ભારતના મુસ્લિમોના સંખ્યા 200 મિલિયનથી વધુ છે અને તેઓ લગભગ 15% વસ્તીનો હિસ્સો ધરાવે છે. જ્યારે પાકિસ્તાનમાં 1947 બાદ સતત હિન્દુઓની સંખ્યા ઘટી રહી છે. રાજ્ય પ્રાયોજિત લોકો દ્વારા સમૃદ્ધ હિન્દુ સમુદાયને વ્યવસ્થિત રીતે ઘટાડવામાં આવ્યો હતો. જે દરે નિર્ણય લેવામાં આવી રહ્યા છે તે જોતાં પાકિસ્તાનમાં હિન્દુઓ વધુ સમય રહેશે નહીં. ખ્રિસ્તી સમુદાય પણ એ જ સતામણીનો ભોગ બની રહ્યા છે. પાકિસ્તાનમાં લઘુમતીઓની થતી સામૂહિક હત્યા, નરસંહાર અને સતામણી બંધ થવી જ જોઇએ.”

પત્રમાં જણાવાયું હતું કે “પાકિસ્તાનમાં હિન્દુઓ અને અન્ય લઘુમતીઓની પરિસ્થિતિ જોખમી બની રહી છે. જેમાં ઘણીવાર પાકિસ્તાની સરકારના કહેવા પર હુમલા થઇ રહ્યા છે. તાજેતરમાં મુસ્લિમ મૌલવીઓની આગેવાની હેઠળ કટ્ટરપંથી લોકોના ટોળા દ્વારા હિન્દુ મંદિરને બળીને નાખવામાં આવ્યું હતું. તો ઇસ્લામાબાદના હિંદુ મંદિરના નિર્માણ અંગે જનતા દ્વારા વિરોધ કરાયો હતો. હિંદુ યુવતીઓના અપહરણ કરી ફરજિયાત ધર્મ પરિવર્તન કરવાના તાજેતરના હાઇ-પ્રોફાઇલ કેસો વિખ્યાત છે. આ ફક્ત હિન્દુ વિરોધી એજન્ડા છે જેને મૌલવીઓ દ્વારા ખુલ્લેઆમ પ્રોત્સાહન આપવામાં આવે છે અને હિન્દુ વિરોધી ભાવના ઉભી કરાય છે.”