સોમવારે તા. 1 નવેમ્બરના રોજ હાઉસ ઓફ કોમન્સ ખાતે હિન્દુઓ, શીખો અને જૈનો દ્વારા ઉજવાતા પ્રકાશના તહેવાર દિવાળીની ઉજવણી કરવા માટે એશિયન સાંસદો અને સાથીદારો એક સાથે આવ્યા હતા.

સાંસદ નવેન્દુ મિશ્રા (લેબર, સ્ટોકપોર્ટ), શૈલેષ વારા (કંઝર્વેટિવ, નોર્થ વેસ્ટ કેમ્બ્રિજશાયર) અને વિરેન્દ્ર શર્મા (લેબર, ઈલિંગ સાઉથોલ) એ હાઉસ ઓફ કોમન્સના સ્પીકર હાઉસમાં સ્ટેટ રૂમમાં લગભગ 100 મહેમાનો માટે રિસેપ્શનનું આયોજન કર્યું હતું.

સ્પીકર લિન્ડસે હોયલ, એમપીએ ખાસ પસંદ કરાયેલા આમંત્રિતોને જણાવ્યું હતું કે, “અમારી પાસે ખૂબ જ વૈવિધ્યસભર હાઉસ ઓફ કોમન્સ છે. મને ખૂબ ગર્વ છે કે અમે એક સમુદાયને સાથે લાવ્યા છીએ.’’

તેમણે બે વિશ્વ યુદ્ધોમાં બ્રિટિશરો માટે લડનાર ઉપમહાદ્વીપના સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી હતી અને તાજેતરમાં, રોગચાળા દરમિયાન એશિયન સમુદાયના પ્રયત્નોનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, “બે દેશો (ભારત અને યુકે) ની મિત્રતા વધુ મજબૂત થવી જોઈએ.’’

NHS માં માઇગ્રન્ટ્સની ભૂમિકાને સ્વીકારતા, સ્પીકરે કહ્યું હતું કે “તમે આ દેશનું નિર્માણ કરવામાં મદદ કરી છે અને અમે સમુદાયના લોકો પ્રત્યે કૃતજ્ઞતાનું ઋણ ધરાવીએ છીએ.”

શ્રી મિશ્રાએ યુકેમાં બ્રિટિશ ભારતીયોના યોગદાનની નોંધ લઇ લેબર નેતા સર કેર સ્ટાર્મરનો સંદેશ પણ વાંચ્યો હતો. જેઓ કોવિડ-19 માટે પોઝીટીવ જાહેર થયા હોવાથી ક્વોરેન્ટાઇનમાં હોવાના કારણે હાજર રહેવા અસમર્થ હતા.

કન્ઝર્વેટિવ સાંસદ શ્રી વારાએ કહ્યું હતું કે, “તે સારી વાત છે કે આપણે સ્પીકરના સ્ટેટ રૂમના ભવ્ય સેટિંગમાં ફરીથી દિવાળીની ઉજવણી કરી શક્યા છીએ  દિવાળીનું મહત્વ, અનિષ્ટ પર સારપની જીત, અને તે આજે પણ એટલું જ મહત્વપૂર્ણ છે જેટલું તે યુગોથી રહ્યું છે. આશાનો તે સંદેશ રોગચાળાના ઘેરા પડછાયા પર વિજય મેળવવા સુધી વિસ્તરે છે. જેમ જેમ આપણે રોગચાળામાંથી ધીમે ધીમે બહાર આવીએ છીએ, આપણે આશા અને વિશ્વાસ જાળવી રાખવો જોઈએ કે આખરે સારપનો જ વિજય થશે.”

શ્રી વારાએ સ્વર્ગસ્થ સર ડેવિડ એમેસને પણ યાદ કર્યા હતા જેમની થોડા દિવસ પહેલા જ તેમના સાઉથેન્ડ મતવિસ્તારમાં હત્યા કરવામાં આવી હતી.

આ પ્રસંગે વોટફોર્ડમાં ભક્તિવેદાંત મંદિરના પ્રમુખ વિશાખા દાસીએ પ્રાર્થના કરી હતી.

રિસેપ્શનમાં ભાગ લેનારાઓમાં લોર્ડ નવનીત ધોળકિયા (લિબરલ ડેમોક્રેટ્સ) અને બેરોનેસ સેન્ડી વર્મા (કંઝર્વેટિવ) હતા.