પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

અમદાવાદમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડાને કારણે સરકારી અને ખાનગી હોસ્પિટલમાં કોરોના દર્દીઓ માટે નિર્ધારિત કરાયેલા આશરે 78 ટકાથી વધુ બેડ ખાલી પડ્યા છે. ખાનગી હોસ્પિટલોના હાલના 5,393 બેડમાંથી માત્ર 19 ટકામાં જ દર્દીઓ સારવાર લઇ રહ્યાં છે, જ્યારે 81 ટકા બેડ ખાલી પડયા છે. જ્યારે મ્યુનિસિપલ અને સરકારી હોસ્પિટલોના 8,569 બેડમાંથી 22 ટકામાં દર્દીઓ દાખલ છે, 78 ટકા બેડ ખાલી છે.

અમદાવાદમાં કોરોનાના કેસો એપ્રિલમાં તીવ્ર ગતિએ વધ્યા હતા અને 25એપ્રિલે શહેરમાં 5,790 કેસો નોંધાયા હતા, જે અત્યાર સુધીના સૌથી વધુ હતા. 31મેએ દૈનિક કેસની સંખ્યા 300ની નજીક આવી ગઈ હતી.

મહાનગરપાલિકાએ 171થી વધુ હોસ્પિટલો કોરોનાના દર્દીઓ માટે નક્કી કરી હતી તે ઘટાડીને 165 કરાઇ છે. 6,565થી વધુ બેડ હતા તે ઘટાડીને 5,393 કરાયા છે. ખાનગી હોસ્પિટલોમાં આઈસીયુના 329 બેડમાં દર્દીઓ છે જ્યારે 545 બેડ ખાલી છે. જ્યારે વેન્ટીલેટર બેડમાં 231માં દર્દીઓ છે, 150 ખાલી થયા છે.

મ્યુનિસિપલ હોસ્પિટલો તથા જનરલ હોસ્પિટલમાં ૪૭ દિવસ બાદ ૩૧ મે સોમવારથી જનરલ ઓપીડી તથા ઇન્ડોર સેવાઓ ચાલુ કરવામાં આવશે. મહાનગરપાલિકા દ્વારા શારદાબહેન અને વી.એસ.હોસ્પિટલને નોન-કોવિડ જાહેર કરવામાં આવી છે.