ભારતના ભૂતપૂર્વ ટેસ્ટ ક્રિકેટર, વિકેટકીપર ફારુક એન્જિનિયર અને વેસ્ટ ઇન્ડિઝના મહાન કેપ્ટન ક્લાઇવ લોયડને ઓલ્ડ ટ્રેફર્ડના સન્માનરૂપે હવે ઇંગ્લેન્ડના આ ઐતિહાસિક ક્રિકેટ ગ્રાઉન્ડમાં બે સ્ટેન્ડનું નામાભિધાન કરાશે. આ સન્માન એન્જિનિયર અને લોયડને તેમની ભૂતપૂર્વ કાઉન્ટી ટીમ લેન્કેશાયર આપી રહી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ સ્ટેન્ડ-નામકરણ સમારોહ 23 જુલાઈએ શરૂ થતી ભારત – ઈંગ્લેન્ડ ચોથી ટેસ્ટ મેચના પહેલા દિવસે યોજાય તેવી શક્યતા છે. ઇંગ્લેન્ડ ક્રિકેટના એક અધિકારીએ કહ્યું: “આ બંને દિગ્ગજો માટે યોગ્ય અને આદરપૂર્ણ પગલું છે.”
ફારુખ એન્જિનિયર 1968 થી 1976 દરમિયાન લેન્કેશાયર માટે 175 મેચ રમ્યા હતા. તે ટીમના ખેલાડી તરીકે જોડાયા તે પહેલાં લેન્કેશાયરની ટીમને 15 વર્ષમાં કોઈ મુખ્ય ટાઈટલ મળ્યું નહોતું, પરંતુ એન્જિનિયરના સુકાનીપદે ટીમે 1970 થી 1975 વચ્ચે ચાર વખત જીલેટ કપનું ટાઈટલ હાંસલ કર્યું હતું.
બે વખતના વર્લ્ડ કપ વિજેતા અને વેસ્ટ ઈન્ડિઝની ટીમના ભૂતપૂર્વ કેપ્ટન ક્લાઇવ લોયડ લેન્કેશાયર તરફથી લગભગ બે દાયકા રમ્યા હતા અને ટીમની રમતમાં ક્રાંતિ લાવી દીધી. તેઓ 1970ના દાયકામાં વિદેશી ખેલાડી તરીકે ક્લબમાં જોડાયા.
87 વર્ષના ભારતીય ક્રિકેટર, ફારુક એન્જિનિયર તો માન્ચેસ્ટરના કાયમી નિવાસી છે. તેમણે ક્લબની વેબસાઇટને અગાઉ એક ઇન્ટરવ્યૂમાં જણાવેલું કે ઓલ્ડ ટ્રેફોર્ડ એક શાનદાર સ્થળ છે, લોકો દૂર દૂરથી અમને રમતા જોવા આવતા હતા.
તેમણે ઉમેર્યું, “ડ્રેસિંગ રૂમમાંથી અમે વોરવિક રોડ રેલ્વે સ્ટેશન જોઈ શકતા હતા અને મેચ પહેલા ટોળા ઉત્સાહિત અવાજો અને હાસ્ય સાથે ગર્જના કરતા ટ્રેનોમાંથી ઉતરતા હતા. અમારા લોકર્સ ક્રિકેટ પ્રેમીઓની ઓટોગ્રાફની વિનંતી અને પાર્ટીના આમંત્રણોથી છલકાતા હતા.”
રસપ્રદ વાત એ છે કે, ફારુક એન્જિનિયર ભારતમાં મોટાભાગનું ક્રિકેટ રમ્યા હતા તે મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં તેમના નામ પર કોઈ સ્ટેન્ડ નથી. માન્ચેસ્ટરમાં અંગત મુલાકાતે આવેલા ભારતના એક અન્ય ભૂતપૂર્વ કેપ્ટન દિલીપ વેંગસરકર ઓલ્ડ ટ્રેફર્ડના સમારોહમાં હાજરી આપે તેવી શક્યા છે. ક્લબના વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર રહેશે.
