
ભારતે પાકિસ્તાનમાં નવ આતંકી અડ્ડાને મિસાઇલ હુમલો કરીને ઉડાવી દીધા પછી યુએનના વડા એન્ટોનિયો ગુટેરેસ અને યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સહિત વિશ્વભરના નેતાઓએ બુધવારે ભારત અને પાકિસ્તાનને સંયમ જાળવાની અપીલ કરી હતી અને બંને વચ્ચેના સંઘર્ષનો ટૂંક સમયમાં અંત આવવાની આશા વ્યક્ત કરી હતી.
ભારત-પાક.ને મહત્તમ લશ્કરી સંયમ જાળવાની હાકલ કરીને સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ ગુટેરેસે જણાવ્યું હતું કે બંને દેશો વચ્ચે લશ્કરી મુકાબલો સમગ્ર વિશ્વ માટે યોગ્ય નથી.
ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષનો ટૂંક સમયમાં ઉકેલ આવશે તેવી આશા વ્યક્ત કરીને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે તે શરમજનક છે કે અમે ઓવલ ઓફિસમાં જઈ રહ્યાં હતાં ત્યારે જ અમને તેના વિશે સાંભળવા મળ્યું છે. મને લાગે છે કે ભૂતકાળની કેટલીક ઘટનાઓને આધારે લોકો જાણતા હતાં કે કંઈક થવાનું છે. તેઓ લાંબા સમયથી લડી રહ્યા છે. બંને દેશોને કોઇ સંદેશ આપવા માગો છો કે નહીં તેવા સવાલના જવાબમાં ટ્રમ્પે જણાવ્યું હતું કે “ના, મને આશા છે કે તે ખૂબ જ ઝડપથી સમાપ્ત થઈ જશે.” અમેરિકાના વિદેશ પ્રધાન માર્કો રુબિયોએ કહ્યું હતું કે તેઓ ભારત અને પાકિસ્તાન વચ્ચેની પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યા છે.
રશિયાએ જણાવ્યું હતું કે અમે બંને પક્ષોને પ્રદેશમાં પરિસ્થિતિ વધુ બગડતી અટકાવવા માટે સંયમ રાખવા હાકલ કરીએ છીએ. બ્રિટિશ વડાપ્રધાન કેર સ્ટાર્મરે જણાવ્યું હતું કે યુકે ભારત અને પાકિસ્તાન બંને સાથે વાતચીત મારફત તણાવ ઓછો કરવા માટે સંપર્કમાં છે.
જર્મન વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે કાશ્મીરમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલા અને તેના પર ભારતીય સૈન્યના પ્રતિભાવ બાદ બંને દેશો તરફથી જવાબદાર કાર્યવાહીની તાત્કાલિક જરૂરી છે. અમે ભારત અને પાકિસ્તાન બંનેના સંપર્કમાં છીએ. ફ્રાન્સે જણાવ્યું હતું કે આતંકવાદના દૂષણ સામે પોતાને બચાવવાની ભારતની ઇચ્છાને અમે સમજીએ છીએ, પરંતુ અમે સ્પષ્ટપણે ભારત અને પાકિસ્તાન બંનેને તણાવ ટાળવા માટે સંયમ રાખવા અને નાગરિકોનું રક્ષણ કરવા હાકલ કરીએ છીએ.
