રાજ્યમાં કુલ 12141 દર્દી, 719 મોત અને 5043 દર્દી સાજા થયા છે. નવા 25 મૃત્યુમાં 9 દર્દીના માત્ર કોરોનાથી જ્યારે 16 દર્દીના મોત કોરોનાની સાથે અન્ય બિમારી હોવાના કારણે થયા છે. ગુજરાતમાં ‘હું પણ કોરોના વોરિયર’ અભિયાનની મુખ્યમંત્રી વિજય રૂપાણીને હસ્તે શરૂઆત કરવામાં આવી છે.

આ અભિયાન 1 અઠવાડિયા સુધી ચાલવાનું છે. આ તકે તેમણે જણાવ્યું હતું કે, વર્ષો પછી આ મહામારી આવી છે. લોકડાઉનમાં જીવન અઘરું હતું. સરકારે પોતાની તમામ તાકાત લગાવી દીધી. લોકડાઉન દરમિયાન છેવાડાના માનવી સુધી અનાજ પહોંચાડવામાં આવ્યું છે.

એક જ મહિનામાં ચાર ચાર વખત અનાજ આપવામાં આવ્યું છે. 8 લાખથી વધુ શ્રમિકોને તેમના વતન પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે. 2 મહિના પછી નિયમોને આધિન લોકડાઉનની છૂટ આપવામાં આવી છે. ત્યારે કોરોના વોરિયર્સની ભૂમિકા મહત્વની બની જાય છે. અત્યારસુધી ઘરમાં હતા એટલે સુરક્ષિત હતા. હવે કોરોનાની સાથે જીવવાનું છે અને કોરોનાની સામે લડવાનું છે. કોરોના સામેનું યુદ્ધ આપણે બધાએ સાથે મળીને લડવાનું છે.