અમેરિકામાં કોરોના વાઇરસ મહામારીને કારણે ફસાયેલા ભારતીય નાગરિકોને સ્વદેશ પરત લાવવા માટે વંદે ભારત મિશન હેઠળ બીજા તબક્કામાં વધુ સાત ફ્લાઇટ્સ મોકલવાનું આયોજન કરાયું છે. 19 થી 29 મે દરમિયાન એર ઇન્ડિયા સાન ફ્રાન્સિસ્કો, ન્યૂ યોર્ક અને શિકાગોથી બે ફ્લાઇટ્સ અને વોશિંગ્ટનથી એક ફ્લાઇટ ઉપાડશે. વોશિંગ્ટન સ્થિત ઇન્ડિયન એમ્બેસી દ્વારા જાહેર કરાયેલી માર્ગદર્શિકા મુજબ આ ફ્લાઇટ્સ ભારતમાં અમદાવાદ, બેંગલુરુ, ભૂવનેશ્વર, ચંડીગઢ, દિલ્હી, હૈદ્રાબાદ અને કોચી જશે.

જો કે, આ મુસાફરીનો ખર્ચ યાત્રીઓએ ચૂકવવો પડશે. ફલાઇટમાં મર્યાદિત સંખ્યામાં બેઠકની ફાળવણી થશે. અનિવાર્યતા ધરાવતા મુસાફરોને પ્રાથમિકતા અપાશે. મુસાફરોની પસંદગી ઇલેકટ્રોનિક રેન્ડમ સિલેક્શન મેથડ દ્વારા થશે એમ એમ્બેસીએ જણાવ્યું હતું.

જેમને મેડિકલ ઇમર્જન્સીની જરૂરીયાત હોય અથવા પરિવારમાં કોઇનું મૃત્યુ થયું હોય, વિદ્યાર્થીઓ, પ્રેગનેન્ટ મહિલા, વૃદ્ધ અથવા જેમના વીસા પૂર્ણ થતા હોય તેમને પ્રાથમિકતા આપવામાં આવશે. ફ્લાઇટમાં બેસતા પહેલા તમામ મુસાફરોની મેડિકલ તપાસ કરવામાં આવશે અને જેમના કોરોનાના લક્ષણ દેખાતા નહીં હોય તેવા મુસાફરોને જ બેસવાની મંજૂરી આપવામાં આવશે.

ભારતમાં પ્રવેશ કર્યા પછી પણ તમામ મુસાફરોની મેડિકલ તપાસ થશે અને તેમણે આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવી પડશે. આ ઉપરાંત તેમણે ફરજિયાત 14 દિવસ સંસ્થાકીય ક્વોરન્ટાઇનમાં રહેવું પડશે અને નાણાં પણ ચૂકવવા પડશે. 14 દિવસ પછી તેમનો કોવિડ ટેસ્ટ કરાશે. અમેરિકા અને ભારત સરકારે બનાવેલા તમામ નિયમોનું આ મુસાફરોએ પાલન કરવાનું રહેશે.

આ દરમિયાન ભારતમાં યુએસ એમ્બેસીએ જણાવ્યું છે કે, ભારતમાં ફસાયેલા અમેરિકાના નાગરિકોએ ત્યાં પરત જવા માટે આ ફ્લાઇટનો લાભ લેવો જોઇએ, જેમાં અમેરિકાના કાયમી નાગરિકો, ઓઆઇસી કાર્ડધારકો મુસાફરી કરવા માટે યોગ્યતા ધરાવે છે. ભારતે બીજા દેશોમાં ફસાયેલા નાગરિકોને સ્વદેશ પર લાવવા મોટાપાયે અભિયાન હાથ ધર્યું છે, જે સાત મેથી શરૂ થયું હતું. 12 દેશોમાંથી 56 ફ્લાઇટ્સમાં 12 હજારથી વધુ ભારતીય નાગરિકોને પરત લાવવામાં આવ્યા છે. અને બીજા તબક્કામાં 31 દેશોમાંથી ભારતીયોને વધુ 149 ફ્લાઇટ્સમાં પરત લાવવામાં આવશે.