(ANI Photo/Jitender Gupta)

વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ ભ્રષ્ટાચારીઓને બચાવવા માટે એકજૂથ થયા હોવાનો વળતો પ્રહાર કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ભારપૂર્વક જણાવ્યું હતું કે હુમલાઓ થઈ રહ્યાં હોવા છતાં તેઓ ભ્રષ્ટાચાર સામેની તેમની લડતને બંધ કરશે નહીં અને જેમણે દેશને લૂંટ્યો છે તે ગમે તેટલો મોટો નેતા હશે તો પણ કાર્યવાહીનો સામનો કરવો પડશે.

આગામી લોકસભાની ચૂંટણીની જાહેરાત પછી યુપીના મેરઠમાં પ્રથમ ચૂંટણીસભા સંબોધતા વડાપ્રધાને જણાવ્યું હતું કે મોદી ભ્રષ્ટાચાર સામેની લડાઈ પૂરી તાકાતથી લડી રહ્યા છે, ત્યારે આ લોકોએ INDI ગઠબંધન બનાવ્યું છે. વિપક્ષ માને છે કે તેઓ મોદીને ડરાવશે, પરંતુ મારા માટે મારું ભારત મારું કુટુંબ છે અને હું તેને ભ્રષ્ટાચારીઓથી બચાવવા માટે પગલાં લઈ રહ્યો છું.

ભ્રષ્ટાચારના આરોપમાં ધરપકડ કરાયેલ AAPના વડા અરવિંદ કેજરીવાલ

 

અને JMM નેતા હેમંત સોરેનના સમર્થનમાં નવી દિલ્હીના રામલીલા મેદાન ખાતે ઇન્ડિયા ગઠબંધનનાના દિગ્ગજ નેતાઓએ ‘લોકતંત્ર બચાવો’ રેલી યોજી હતી ત્યારે મોદીએ વળતા પ્રહાર કર્યાં હતાં.

વડાપ્રધાને જણાવ્યું હતું કે તેઓ ભ્રષ્ટાચાર વિરુદ્ધ કાર્યવાહી કરી રહ્યા છે, ત્યારે કેટલાંક લોકો ફફડી ઉઠ્યા છે. મોદીનો મંત્ર ‘ભ્રષ્ટાચાર હટાવો’ છે. તેઓ કહે છે કે ‘ભ્રષ્ટાચારી બચાવો’. હું મારા દેશને ભ્રષ્ટાચારીઓથી બચાવવા માટે એક મોટી લડાઈ લડી રહ્યો છું. તેથી જ તેઓ આજે જેલના સળિયા પાછળ છે અને સુપ્રીમ કોર્ટમાંથી જામીન પણ નથી મળી રહ્યા. આ ચૂંટણી બે છાવણીઓ વચ્ચેની લડાઈ છે. એક બાજુ ભ્રષ્ટાચાર નાબૂદ કરવાની પ્રતિબદ્ધતા સાથે NDA છે, તો બીજી બાજુ ભ્રષ્ટ નેતાઓને બચાવવા પર ધ્યાન કેન્દ્રિત કરેલું INDI એલાયન્સ છે. તમારે નક્કી કરવાનું છે કે ભ્રષ્ટાચાર દૂર કરવો જોઈએ કે નહીં.

મોદીએ જણાવ્યું હતું કે ભ્રષ્ટાચારીઓએ સાંભળી લો… મોદી પર તમે ગમે તેટલા હુમલા કરો, આ મોદી છે, તે અટકવાના નથી. ભ્રષ્ટ વ્યક્તિ ગમે તેટલો મોટો હોય, તેની સામે ચોક્કસ પગલાં લેવામાં આવશે. જેણે લૂંટ કરી છે, તેને દેશને પાછું આપવું પડશે. આ મોદીની ગેરંટી છે.

યુપી ભાજપના પશ્ચિમ એકમના લઘુમતી મોરચાના પ્રમુખ જાવેદ મલિકે જણાવ્યું હતું કે મેરઠમાં મોદીની રેલીમાં આશરે 10,000 મુસ્લિમોએ હાજરી આપી હતી. લોકોમાં મોદીનો ક્રેઝ છે. કેન્દ્રની વિવિધ યોજનાઓનો લાભ મેળવનારા લોકો તેમને સાંભળવા અહીં આવ્યા હતાં. મેરઠ શહેરમાં લોકો હવે વધુ સુરક્ષિત અનુભવે છે. 100 બાઇક સવારોએ ગાંધીબાગથી રેલી સ્થળ સુધી મોટરસાઇકલ માર્ચ કાઢી હતી.

LEAVE A REPLY

5 × 3 =