પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

આઈડીએફસી ફર્સ્ટ બેન્કે જણાવ્યુ હતું કે તેની પેરેન્ટ આઈડીએફસી લિમિટેડનું તેની સાથે મર્જર થઈ જશે. આમ એચડીએફસી ટ્વિન્સના મર્જર પછી બેન્કિંગ સેક્ટરમાં આ બીજું મર્જર આકાર લેશે. આઈડીએફસી ફર્સ્ટ બેન્ક અને આઈડીએફસી લિમિટેડના બોર્ડે આ રિવર્સ મર્જરને મંજૂરી આપી હતી.

બેન્કે મર્જ્ડ એન્ટિટીનાં વેલ્યૂએશન અંગે કોઈ વિગત આપી ન હતી, પરંતુ સોમવારના તેમના બંધ ભાવ મુજબ વેલ્યૂએશન રૂ.71,767 કરોડનું થાય છે. રિવર્સ મર્જર સ્કીમ અંતર્ગત આઈડીએફસીના શેરધારકોને પ્રત્યેક 100 શેર સામે આઈડીએફસી બેન્કના 155 શેર મળશે. મૂળભૂત રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં ખાનગી કંપનીઓને ધિરાણ કરતી કંપની તરીકે આઈડીએફસીની સ્થાપના થઈ હતી. આઈસીઆઈસીઆઈ અને આઈડીબીઆઈની જેમ તેને પણ 2015માં બેન્કિંગ ક્ષેત્રે ઝંપલાવ્યું અને આઈડીએફસી બેન્કની સ્થાપના કરી હતી પરંતુ તેને જોઈએ તેવી સફળતા ન મળી. આથી હવે રિવર્સ મર્જર થશે.

હાલમાં આઈડીએફસી લિમિટેડ તેની નોન-ફાઈનાન્શિયલ હોલ્ડિંગ કંપની મારફતે આઈડીએફસી ફર્સ્ટ બેન્કમાં 39.93 ટકા હિસ્સો ધરાવે છે. મર્જર પછી બેન્કના શેરની બુક વેલ્યૂ 4.9 ટકા વધશે. આઈડીએફસીના ચેરમેન અનિલ સિંઘવીએ કહ્યું હતું કે આ મર્જર આઈડીએફસીના કોર્પોરેટ રિસ્ટ્રક્ચરિંગનો અંતિમ તબક્કો છે અને આ મર્જરથી રચાનારી નવી એન્ટિટી ગ્રાહકોને સારી એવી ફાઈનાન્શિયલ સર્વિસીઝ પૂરી પાડશે.

LEAVE A REPLY

1 × three =