Alexander Zemlianichenko/Pool via REUTERS

ભારત ડિસ્કાઉન્ટેડ રશિયન ક્રૂડ ઓઇલ ખરીદીને પછી યુરોપ અને અન્ય સ્થળોએ પ્રીમિયમ ભાવે રિફાઇન્ડ પેટ્રોલિયમ પેદાશો વેચીને નફાખોરી કરી રહ્યું હોવાના અમેરિકાના આક્ષેપોને નકારી કાઢી ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે જો તમને ભારતમાંથી તેલ કે રિફાઇન્ડ પ્રોડક્ટ ખરીદવામાં સમસ્યા હોય, તો તે ખરીદશો નહીં. કોઈ તમને તે ખરીદવા માટે દબાણ કરતું નથી. પરંતુ યુરોપ ખરીદે છે, અમેરિકા ખરીદે છે. જો તમને તે ગમતું ન હોય તો, તે ખરીદશો નહીં

જયશંકરે જણાવ્યું હતું કે બિઝનેસ તરફી અમેરિકી વહીવટીતંત્ર માટે કામ કરી રહેલા લોકો બીજા પર બિઝનેસ કરવાનો આક્ષેપ કરે તે વિચિત્ર લાગે છે.

ભારત અને અમેરિકા વચ્ચે હજુ પણ વેપાર મંત્રણા ચાલુ હોવાનો ઉલ્લેખ કરી વિદેશ પ્રધાન એસ જયશંકરે જણાવ્યું હતું કે અમેરિકા સાથેની વેપાર વાટાઘાટોમાં ભારતની કેટલાંક રેડ લાઇન છે અને નવી દિલ્હી ખેડૂતો અને નાના ઉત્પાદકોના હિતોનું રક્ષણ કરવા માટે કોઈ સમાધાન કરશે નહીં.

ઇકોનોમિક ટાઇમ્સ વર્લ્ડ લીડર્સ ફોરમમાં બોલતા જયશંકરે જણાવ્યું હતું કે યુએસ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની વિશ્વ સાથે વ્યવહાર કરવાની રીત પરંપરાગત રીતથી તદ્દન અલગ છે અને સમગ્ર વિશ્વ આ સમસ્યાનો સામનો કરી રહ્યું છે. હાલના પ્રેસિડન્ટ જેટલી જાહેરમાં વિદેશ નીતિનું સંચાલન કરે છે તેવું અત્યાર સુધી કોઇ અમેરિકી પ્રમુખ કર્યું નથી. આ બાબત માત્ર ભારત પૂરતી મર્યાદિત નથી.

અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયન ક્રૂડ ઓઇલની ખરીદી માટે પેનલ્ટી તરીકે ભારત પર 25 ટકા સહિત કુલ 50 ટકા ટેરિફ લાદ્યા પછી ભારત-અમેરિકાના સંબંધોમાં તિરાડ પડી છે.

બંને દેશો વચ્ચે વેપાર ખરેખર એક મુખ્ય મુદ્દો હોવાનો ઉલ્લેખ કરી જયશંકરે જણાવ્યું હતું કે વાટાઘાટો હજુ પણ ચાલી રહી છે અને મુખ્ય બાબત એ છે કે આપણે કેટલાંક રેડ લાઇન દોરેલી છે. આ રેડ લાઇન મુખ્યત્વે આપણા ખેડૂતો અને અમુક અંશે નાના ઉત્પાદકોના હિતના સંદર્ભમાં છે. તેથી જ્યારે લોકો અમે નિષ્ફળ ગયા કે સફળ થાય તેવી જાહેરાત કરે છે, ત્યારે મારો જવાબ છે કે સરકાર તરીકે અમે આપણા ખેડૂતો અને નાના ઉત્પાદકોના હિતોનું રક્ષણ કરવા માટે પ્રતિબદ્ધ છીએ. અમે તેના પર ખૂબ જ દૃઢ છીએ. તે એવી વસ્તુ નથી, જેના પર આપણે સમાધાન કરી શકીએ.

 

LEAVE A REPLY