
હોમ સેક્રેટરી શબાના મહમૂદના ગેરકાયદેસર સ્થળાંતરને રોકવા અને ગિગ અર્થતંત્રમાં સાફ નિયમો લાગુ કરવાના પ્રયાસોના ભાગરૂપે ગેરકાયદેસર રીતે કામ કરતા લોકો સામે યુકેભરમાં કરાયેલી વ્યાપક કાર્યવાહીમાં ભારતીય નાગરિકો સહિત ડઝનબંધ ડિલિવરી રાઇડર્સની ધરપકડ કરવામાં આવી છે. “ઓપરેશન ઇક્વલાઇઝ” નામનું આ ઓપરેશન ગયા મહિને સાત દિવસ દરમિયાન હાથ ધરવામાં આવ્યું હતું અને બ્રિટનના વિવિધ શહેરો અને નગરોમાં રાઇડર્સને લક્ષ્ય બનાવ્યા હતા.
કુલ 171 કામદારોની ધરપકડ કરવામાં આવી હતી, જેમાં 60ને દેશનિકાલ માટે અટકાયતમાં લેવામાં આવ્યા હતા. ધરપકડ કરાયેલા લોકોમાં સોલિહલમાં ચીની નાગરિકો, ન્યુહામમાં બાંગ્લાદેશી અને ભારતીય રાઇડર્સ અને નોરીચમાં ભારતીય રાઇડર્સનો સમાવેશ થાય છે.
પોલીસ અને ઇમિગ્રેશન અધિકારીઓએ ડિલિવરૂ, જસ્ટ ઈટ અને ઉબર ઈટ્સ જેવી કંપનીઓ સાથે મળીને આઈડી ચેકને મજબૂત બનાવવા અને ગેરકાયદેસર કામ કરતા “હોટસ્પોટ્સ” પર નજર રાખવા માટે કામ કર્યું હતું. નવો લાગુ કરાયેલ બોર્ડર સિક્યુરિટી, એસાયલમ અને ઇમિગ્રેશન એક્ટ આ અધિકારીઓને રાઇટ-ટુ-વર્ક ચેક લાગુ કરવાની વિસ્તૃત સત્તાઓ આપે છે. જેમાં ઓમ્પોલયર્સ તેમના કર્મચારીઓ પર કડક તપાસ કરવામાં નિષ્ફળ જશે તો તેમને પાંચ વર્ષ સુધીની જેલ, ગેરકાયદેસર કામદાર દીઠ 60,000 પાઉન્ડ દંડ અથવા બિઝનેસ બંધ કરવાનો સામનો કરવો પડે છે.
બોર્ડર સિક્યુરીટી મિનિસ્ટર એલેક્સ નોરિસે જણાવ્યું હતું કે ‘’આ કાર્યવાહી એક સ્પષ્ટ સંદેશ આપે છે કે જો તમે આ દેશમાં ગેરકાયદેસર રીતે કામ કરશો તો તમારી ધરપકડ કરી દેશમાંથી કાઢી મૂકવામાં આવશે.”
17 નવેમ્બરના રોજ, ન્યૂહામ, ઇસ્ટ લંડનમાં હાઇ સ્ટ્રીટ પરથી ગેરકાયદેસર કામ કરવા બદલ ચાર બાંગ્લાદેશી અને ભારતીય રાઇડર્સની ધરપકડ કરવામાં આવી હતી.
25 નવેમ્બરના રોજ નોરીચ સિટી સેન્ટરમાંથી ત્રણ ભારતીય રાઇડર્સની ધરપકડ કરી બેને દેશ બહાર કાઢી મૂકવા માટે અટકાયતમાં લેવામાં આવ્યા હતા. ત્રીજા વ્યક્તિને કડક ઇમિગ્રેશન જામીન પર મૂકવામાં આવ્યો હતો.
સરકારનો દાવો છે કે ગયા વર્ષે ગેરકાયદેસર કામકાજને અટકાવવા 11,000થી વધુ લોકોની તપાસ કરાઇ હતી અને 8,000 લોકોની ધરપકડ કરાઇ હતી. જુલાઈ 2024થી યુકેમાં રહેવાનો કોઈ અધિકાર ન ધરાવતા લગભગ 50,000 લોકોને કાઢી મૂકવામાં આવ્યા હતા.
છેલ્લા 12 મહિનામાં લોકોની તસ્કરી, ધરપકડ અને જપ્તીમાં 33 ટકાનો વધારો થયો હોવાનું કહેવાય છે.
માઇગ્રન્ટ્સના ગેરકાયદેસર એકાઉન્ટ શેરિંગને રોકવા માટે રેન્ડમાઇઝ્ડ ફેશિયલ રેકગ્નિશન ચેક વધારવા માટે કંપનીઓને જણાવાયું છે. ગેરકાયદેસર કામ કરતા હોટસ્પોટ પર દેખરેખ રાખવા માટે એસાયલમ હોટલ પર નજર રખાઇ રહી છે.












