ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે કે, ગુજરાતના અનેક જિલ્લામાં તાજેતરમાં માવઠું થયું હતું. હવે અરબી સમુદ્રમાં સાયક્લોનિક સીસ્ટમ સર્જાય તેવી સંભાવના છે. આથી આવતા અઠવાડિયામાં રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ અને વાવાઝોડાની આશંકા વ્યક્ત કરવામાં આવે છે. જો વાવાઝોડું ગુજરાતના સમુદ્ર કિનારે પહોંચશે તો ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. જોકે, અન્ય દિશામાં ફંટાય તો પણ 22 મેની આસપાસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી.
શનિવાર-રવિવારે અમરેલી, રાજકોટ, ભાવનગર, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, 20થી 24 મે દરમિયાન અરબી સમુદ્રમાં વાવાઝોડું સર્જાઈ શકે છે, જેના કારણે ગુજરાત અને મુંબઈમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. આ સાથે તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થવાની શક્યતા ઓછી છે.
દેશના અન્ય ભાગોમાં પણ હવામાનની અસર જોવા મળશે. ઉત્તર-પૂર્વ ભારતમાં ભારેથી અતિભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી છે, જ્યારે દક્ષિણ ભારતના આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, તમિલનાડુ, કેરળ અને પુડુચેરીમાં વાવાઝોડા સાથે વરસાદની સંભાવના છે.
