A member UK Border Force patrols at Heathrow Airport in London (Photo by Daniel LEAL-OLIVAS / AFP) (Photo by DANIEL LEAL-OLIVAS/AFP via Getty Images)

પતિને નાટકીય છૂટાછેડા આપી તે જ પતિ સાથે બોગસ નામે પુનર્લગ્ન કરી બે બાળકો અને પતિને યુકેમાં વસાવવા માટે કાવતરૂ કરનાર લેસ્ટરની છાયા રાણાને બે વર્ષની જેલની સજા કરવામાં આવી હતી. સિસ્ટમને છેતરવા માટે અને તેના પરિવારને લેસ્ટરમાં લાવવા માટે છાયાએ પાંચ વર્ષ સુધી કાવતરુ ઘડી ઇરાદાપૂર્વક છેતરપીંડી કરી હતી.

બનાવની વિગત એવી છે કે ‘’ભારતમાં રહેતી અને બે બાળકો ધરાવતી છાયા રાણાએ 2015માં તેના પતિ પાસેથી દેખાવ ખાતર નાટકીય છૂટાછેડા લીધાં હતાં. તે પછી તેણે ખોટા નામનો ઉપયોગ કરીને છેતરપિંડી કરીને ખોટો પોર્ટુગીઝ પાસપોર્ટ અને આઈડી દસ્તાવેજો મેળવ્યા હતા. તે પછી તે જ પતિ સાથે તણે ફરીથી લગ્ન કર્યા હતાં. બોગસ દસ્તાવેજોને આધારે છાયા રાણા મે 2019માં યુકે આવી હતી. યુકે આવવા માટે તેણે પોતાના સ્પેશ્યલ નીડ ધરાવતા બાળકને પણ પતિના સહારે છોડ્યું હતું.

તે લેસ્ટરના સ્કારબરો રોડ, નોર્થફિલ્ડ્સના સરનામે રહેવા ગઇ હતી અને યુકેનું પ્રોવિઝનલ ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવ્યું હતુ. તેણે કપટપૂર્વક નોર્થગેટ સ્ટ્રીટની બાજુમાં સોર લેન સ્થિત સિટી સેન્ટરમાં  કપડાની કંપનીમાં કામ મેળવવા તે જાલી દસ્તાવેજોનો ઉપયોગ કર્યો હતો. છાયાએ નોકરી દરમિયાન £10,000ની કમાણી પણ કરી હતી.

પતિ અને બાળકો યુકે આવી શકે તે માટે પૂર્વ પત્ની તરીકે છાયાની મંજુરી મળે તે જરૂરી હતું. તેથી છાયાએ તે પેપર પર સાચા નામે સહીઓ કરવા ભારત પરત થવુ જરૂરી હતું. બીજી તરફ છાયાએ પોતાનું નવુ ખોટુ નામ રજૂ કરી પતિ અને બાળકોના સ્પોન્સર કર્યા હતા અને તેઓ માર્ચ 2020માં યુકે આવ્યા હતા.

HMP પીટરબરો જેલમાં રખાયેલી છાયાની ધરપકડ કરવામાં આવી ત્યારે પણ છાયાએ પોતાનું ખોટુ નામ જણાવ્યું હતું અને કશું ખોટુ કર્યુ ન હોવાનુ રટણ કર્યું હતું. પરંતુ તેનો કેસ કોર્ટમાં લાવવામાં આવતા તેણે તુરત જ કબૂલ કર્યું  હતું. તેના બેરિસ્ટરે કહ્યું હતું કે છાયા રાણા હવે ભારત પાછા ફરવાની ઇચ્છા રાખે છે જ્યાં તે તેના પરિવાર સાથે રહેશે. કોર્ટે રાણાને બે વર્ષ જેલની સજા કરી હતી. જો તે પરત ભારત નહિં જાય તો તેને દેશનિકાલ કરવામાં આવશે.