(ANI Photo/ PTV Grab)

પાકિસ્તાનમાં શનિવાર (9 એપ્રિલ)એ મધરાત સુધી હાઇવોલ્ટેજ ડ્રામા પછી નેશનલ એસેમ્બ્લીમાં અવિશ્વાસ દરખાસ્ત પર વોટિંગ બાદ ઇમરાન ખાન સરકારનું આખરે પતન થયું હતું. જોકે આ પહેલા ઐતિહાસિક દિલધકડ ગતિવિધિ જોવા મળી હતી.

પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ શનિવાર રાત્રે 12 વાગ્યા સુધી અવિશ્વાસ દરખાસ્ત પર વોટિંગ કરાવવાનું હતું, પરંતુ લડાયક ઇમરાન ખાન સરકારે છેલ્લી ઘડી સુધી વોટિંગ કરાવ્યું ન હતું અને કોર્ટના આદેશના તિરસ્કારનું પણ જોખમ ઊભું થયું હતું. નેશનલ એસેમ્બલીના સ્પીકર અને નાયબ સ્પીકરના એકાએક રાજીનામા બાદ કાર્યવાહ સ્પીકરે વોટિંગ કરાવ્યું હતું જેમાં કુલ 342 સાંસદોમાંથી 174 સાંસદોએ અવિશ્વાસ દરખાસ્તની તરફેણમાં મત આપ્યો હતો અને ઇમરાન ખાન સરકારનું આખરે પતન થયું હતું. વડાપ્રધાનને દૂર કરવા માટે 172 સભ્યોની જરૂર હતી. ઇમરાનની પાર્ટીથી મતદાન પહેલા જ ગૃહમાંથી નીકળી ગયા હતા.

અવિશ્વાસ દરખાસ્ત પર વોટિંગ માટે સવારે 10 વાગ્યે નેશનલ એસેમ્બ્લીની કાર્યવાહી ચાલુ થઈ હતી, પરંતુ ગૃહને એક કે બીજું કારણ રજૂ કરીને વારંવાર મોકૂફ રાખીને વોટિંગ ટાળવાનો પ્રયાસ થયો હતો. ત્રણ કલાક સુધી ગૃહને મોકૂફ રાખવામાં આવ્યા રાત્રે 10.30 વાગ્યે ગૃહની કાર્યવાહી ચાલુ થઈ હતી. પરંતુ વોટિંગ કરાવવાની જગ્યાએ છેલ્લી ઘડીએ  નેશનલ એસેમ્બ્લીના સ્પીકર અસાદ કૈસર અને ડેપ્યુટી સ્પીકર કાસીમ સુરીએ રાજીનામું આપા દીધા હતા તેનાથી અયાજ સાદિકને સ્પીકરનો ચાર્જ આપવામાં આવ્યો હતો. સાદિકે અવિશ્વાસ દરખાસ્ત પર વોટિંગની કાર્યવાહી ચાલુ કરી હતી. આખરે અવિશ્વાસ દરખાસ્ત પર મતદાન થયું હતું અને તેમાં ઇમરાન સરકારનું પતન થયું હતું.

અવિશ્વાસ દરખાસ્ત પર વોટિંગ પહેલા ઇમરાન ખાન હાર માની લીધી હતી અને વડાપ્રધાન નિવાસસ્થાન છોડી દીધું હતું. ઇમરાન ખાનની પાર્ટી તહેરિખે ઇન્સાફના સાંસદો અવિશ્વાસ દરખાસ્ત પર વોટિંગ પહેલા ગૃહમાંથી બહાર નીકળી ગયા હતા.

અગાઉ જો અવિશ્વાસની દરખાસ્ત પર મતદાન ન થાય તો સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ઉમર બંદિયાલે રાત્રે 12 વાગ્યે સર્વોચ્ચ અદાલત ખોલવાનો સંબંધિત અધિકારીઓને આદેશ આપ્યો હતો. ઇસ્લામાબાદ હાઇકોર્ટના પણ રાત્રે ખોલવાનો આદેશ આપવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ અને બીજા ચાર ન્યાયમૂર્તિ રાત્રે 12 વાગ્યે સુપ્રીમ કોર્ટમાં હાજર થયા હતા.

વોટિંગ પર વિલંબને પગલે સંયુક્ત વિપક્ષે નેશનલ એસેમ્બ્લીના સ્પીકરને રજૂઆત કરી હતી કે વડાપ્રધાન સામેની અવિશ્વાસની દરખાસ્ત પર મતદાનમાં વધુ વિલંબ ન કરવામાં આવે છે. વિપક્ષે જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ આ દરખાસ્ત પર મતદાન નહીં થાય તો સ્પીકર સહિતના તમામ સંબંધિત અધિકારીઓ સામે કોર્ટના તિરસ્કારની કાર્યવાહી અને સજા થઈ શકે છે.

અગાઉ લડાયક ઇમરાને જણાવ્યું હતું કે તેઓ છેલ્લાં બોલ સુધી લડત આપશે અને વિદેશી ષડયંત્રને સફળ બનવા દેશે નહીં.  તેમણે દાવો કર્યો હતો કે તેમની સામેની અવિશ્વાસની દરખાસ્ત વિદેશી કાવતરું છે, કારણ કે તેઓ સ્વતંત્ર વિદેશ નીતિનું પાલન કરે છે. તેમની સરકારને ગબડાવી દેવા માટે વિદેશી ફંડ મોકલવામાં આવ્યું છે. શુક્રવારે દેશને કરેલા સંબોધનમાં ઇમરાને પુનરુચ્ચાર કર્યો હતો કે અમેરિકાના વરિષ્ઠ રાજદૂતે ધમકી આપી હતી.

નેતાઓ, અધિકારીઓને દેશ છોડવા પર પાબંધી મૂકવામાં આવી હતી. એરપોર્ટ પર સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો હતો અને કોઇ અધિકારી કે નેતા નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ વગર દેશ ન છોડે તે માટે એલર્ટ જારી કરવામાં આવ્યો હતો.

સ્થાનિક મીડિયાના અહેવાલ મુજબ અવિશ્વાસ દરખાસ્ત પર વોટિંગ ન થાય તો સ્પીકર અને ડેપ્યુટી સ્પીકરની ધરપકડ થઈ શકે છે તેવી અટકળો વચ્ચે નેશનલ એસેમ્બ્લી સંકુલમાં કેદી વાન તૈનાત કરવામાં આવી છે.

વિપક્ષના નેતા મરિયમ નવાઝ શરીફ અને પાકિસ્તાન શ્રેણીબદ્ધ ટ્વીટ કરીને સરકાર પર પ્રહાર કર્યા હતા તથા ઇમરાન, સ્પીકર અને ડેપ્યુટી સ્પીકરની ધરપકડ કરવાની માગણી કરી હતી. વિપક્ષના નેતા બિલાવલ ભુટ્ટો ઝરદારીએ આક્ષેપ કર્યો હતો કે પીએમ ખાન બંધારણીય કટોકટી ઊભી કરવા માગે છે, તેથી આર્મીએ દેશની રાજકીય બાબતોમાં દરમિયાનગીરી કરવી જોઇએ.

ઇમરાને ઇમર્જન્સી કેબિનેટ બેઠક યોજી

પાકિસ્તાનમાં ઇમરાન ખાન સરકાર સામે નેશનલ એસેમ્બલીમાં અવિશ્વાસની દરખાસ્ત પર મતદાન કરવાનાના સુપ્રીમ કોર્ટના આદેશ વચ્ચે વડાપ્રધાન ઇમરાને શનિવારની રાત્રે કેબિનેટની ઇમર્જન્સી બેઠક યોજી હતી. જોકે આ ઇમર્જન્સી બેઠકનો એજન્ડા શું હતો તે અંગે જાણકારી મળી નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર આ કેબિનેટ બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો હતો કે ઇમરાન વડાપ્રધાનના પદ પરથી રાજીનામું આપશે નહીં. અવિશ્વાસ દરખાસ્તને પગલે સરકારનું પતન નિશ્ચિત માનવામાં આવે છે ત્યારે આ કેબિનેટ બેઠકથી ઘણાને આશ્ચર્ય થયું હતું. ઇમરાનની હિલચાલ સ્પષ્ટ સંકેત આપે છે કે તેઓ લડાયક મૂડમાં છે અને સરળતાથી પીએમ પદ છોડવાના મૂડમાં નથી. ઇમરાને પોતાના પક્ષના કાર્યકારોને ઇસ્લામાબાદમાં એકઠા થવાની અને વિરોધ કરવાની પણ સૂચના આપી હોવાનું માનવામાં આવી છે. સ્થાનિક મીડિયાના અહેવાલ મુજબ મોડી રાત્રે સુપ્રીમ કોર્ટ પણ સક્રિય બની હતી.