ભારતીય ટીમને 2007માં T-20 વર્લ્ડ કપ જીતાડનાર ફાસ્ટ બોલર જોગિંદર શર્મા હવે લોકોને કોરોનાવાઇરસથી બચાવવા રોડ પર ઉતર્યો છે. તે હરિયાણા પોલીસ હિસારમાં ડીસીપી છે. આ સમયે જોગિંદર લોકડાઉનનું પાલન કરવા અને કોરોનાથી બચવા લોકોને ઘરે રહેવાની અપીલ કરે છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ તેના કામના વખાણ કરતા ટ્વિટર પર જોગિંદરનો ફોટો શેર કરીને તેને રિયલ વર્લ્ડ હીરો કહ્યો હતો.

ICCએ ટ્વીટ કર્યું કે, “2007માં T-20 વર્લ્ડ કપનો હીરો, 2020માં વર્લ્ડનો રિયલ હીરો. ક્રિકેટ કરિયર પછી એક પોલીસકર્મીના રૂપમાં ભારતનો જોગિંદર શર્મા વૈશ્વિક સ્વાસ્થ્ય સંકટ વચ્ચે પોતાનું કામ કરી રહ્યો છે.”જોગિંદરે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તેણે લોકોને ઘરે રહેવાની અપીલ કરી છે.

જોગિંદર દેશ માટે 4 વનડે અને 4 T-20 રમ્યો છે. રવિવાર સવાર સુધીમાં કોરોનાવાઈરસને કારણે 195 દેશમાં 30,873 લોકોના મોત થયા છે. જ્યારે 6 લાખ 63 હજાર 541 ચેપગ્રસ્ત હોવાની પુષ્ટિ કરવામાં આવી છે. યુરોપમાં મોતનો આંક 20 હજારને વટાવી ગયો છે. તે જ સમયે, ભારતમાં ચેપના 1029 કેસ નોંધાયા છે. તેમાંથી 24 લોકોએ જીવ ગુમાવ્યો છે.

2007ના T-20 વર્લ્ડ કપની ફાઇનલમાં પાકિસ્તાન સામે જોગિંદરે છેલ્લી ઓવર નાખી હતી. આ ઓવરમાં પાકિસ્તાનને મેચ જીતવા માટે 13 રનની જરૂર હતી અને તેના 9 ખેલાડીઓ આઉટ થયા હતા. જોગિંદરે શાનદાર બોલિંગ કરતાં 7 રન આપીને છેલ્લી વિકેટ લઈને મેચ જીતાડી હતી. મેચમાં જોગિન્દરે 3.3 ઓવરમાં 20 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. આ મેચમાં ભારતે ટોસ જીતીને 20 ઓવરમાં 5 વિકેટે 157 રન બનાવ્યા હતા. જેના જવાબમાં પાકિસ્તાનની ટીમ 19.3 ઓવરમાં 152 રન બનાવી શકી હતી.