REUTERS/Amit Dave
રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડની સતત બીજા દિવસે સોમવારે સુનાવણી કરતાં ગુજરાત હાઈકોર્ટે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની આકરી ઝાટકણી કાઢી હતી અને જણાવ્યું હતું કે તેને રાજ્યના વહીવટીતંત્રમાં વિશ્વાસ નથી. કોર્ટે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનો ઉઘડો લીધા હતો અને સવાલ કર્યો હતો કે શું તેને તેની નજીકમાં આવી રહેલા આટલા મોટા માળખા પ્રત્યે આંખ આડા કાન કર્યા હતા. કોર્પોરેશનના વકીલે રજૂઆત કરી હતી કે TRP ગેમ ઝોને જરૂરી પરવાનગીઓ માંગી નથી.
કોર્ટે અવલોકન કર્યું હતું કે 2021માં TRP ગેમ ઝોનની સ્થાપના થઈ ત્યારથી લઈને આ ઘટના (25 મેના રોજ) સુધીના તમામ રાજકોટ મ્યુનિસિપલ કમિશનરોને દુર્ઘટના બની હતી તેના માટે જવાબદાર ઠેરવવા જોઈએ. કોર્ટે તમામ કમિશનરોને એફિડેવિટ રજૂ કરવાનો આદેશ પણ આપ્યો હતો.
25મેએ રાજકોટના નાના-મવા વિસ્તારમાં શનિવારે સાંજે TRP ગેમ ઝોનમાં લાગેલી આગમાં બાળકો સહિત 27 લોકોના મોત થયા હતા.કોર્ટે કહ્યું હતું કડક પગલા કોણ ઉઠાવશે? પ્રમાણિકતાથી કહું તો અમને હવે રાજ્યના વહીવટીતંત્રમાં વિશ્વાસ નથી. આ કોર્ટના આદેશના ચાર વર્ષ પછી આ છઠ્ઠી ઘટના બની છે. તેઓ લોકોના જીવ જાય તે પછી જ વહીવટીતંત્રને કાર્યરત કરે છે. મીડિયા અહેવાલો છે કે ઉદ્ઘાટન સમયે મ્યુનિસિપલ કમિશનર ત્યાં ગયા હતા. શું અમે તે હકીકતની ન્યાયિક નોંધ લઈ શકતા નથી? 18 મહિના સુધી કોર્પોરેશને શું કર્યું?
અગાઉ રવિવારે ગુજરાત હાઈકોર્ટેની સ્પેશ્યલ બેન્ચે  રાજકોટની અગ્નિકાંડની સુઓ મોટો નોંધ લીધી હતી અને તેને પ્રાથમિક દૃષ્ટિએ “માનવસર્જિત આપત્તિ” ગણાવી હતી. હાઈકોર્ટે નોંધ્યું હતું કે પેટ્રોલ, ફાઈબર અને ફાઈબર ગ્લાસ શીટ્સ જેવી અત્યંત જ્વલનશીલ સામગ્રીનો સ્ટોક સુવિધામાં સંગ્રહિત કરવામાં આવ્યો હતો.
જસ્ટિસ બિરેન વૈષ્ણવ અને દેવન દેસાઈની ખંડપીઠે નોંધ્યું હતું કે આવા ગેમિંગ ઝોન અને મનોરંજનની સુવિધાઓ સક્ષમ સત્તાવાળાઓની જરૂરી મંજૂરીઓ વિના ચલાવવામાં આવે છે. ખંડપીઠે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના એડવોકેટ્સને કાયદાની કઈ જોગવાઈઓ હેઠળ સત્તાવાળાઓએ આ એકમોને તેમના અધિકારક્ષેત્ર હેઠળ સ્થાપિત કરવા અથવા તેનું સંચાલન ચાલુ રાખવાની છૂટ આપી છે તેની વિગતો સાથે કોર્ટમાં હાજર રહેવાનું ફરમાન કર્યું હતું

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments