બેંગલુરુ ખાતેની પાંચમી અને અંતિમ ટી-20 મેચ વરસાદમાં ધોવાઈ ગયા બાદ ભારતના કેપ્ટન રિશભ પંત અને દક્ષિણ આફ્રિકાના કેપ્ટન કેશવ મહારાજને સંયુક્ત રીતે ટ્રોફી આપવામાં આવી હતી.(ANI Photo)

ભારત અને પ્રવાસી સાઉથ આફ્રિકા વચ્ચે પાંચ ટી-20 ઈન્ટરનેશનલ્સની સીરીઝમાં નિર્ણાયક પાંચમી મેચ વિષે ચાહકો અને ખાસ તો ભારતીય ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્તેજના છવાઈ હતી ત્યારે રવિવારે (19 જુન) બેંગલુરૂમાં વરસાદી વિઘ્નના પગલે ક્રિકેટ રસીયાઓનો ઉત્સાહ પણ મેચની સાથે ધોવાઈ ગયો હતો અને સત્તાવાળાઓને મેચ પડતી મુકવાની ફરજ પડી હતી. એના પગલે, આ સીરીઝ 2-2થી ડ્રો જાહેર થઈ હતી અને ભારતમાં ટી-20 સીરીઝ નહીં હારવાનો સાઉથ આફ્રિકાનો રેકોર્ડ જળવાઈ રહ્યો હતો.

સાઉથ આફ્રિકાના ઈજાગ્રસ્ત સુકાની ટેમ્બા બવુમાની જગ્યાએ ફરજ સંભાળતા સુકાની કેશવ મહારાજે ટોસ જીતી ભારતને પહેલા બેટિંગમાં ઉતારવાની આ સીરીઝની પરંપરા જાળવી રાખી હતી. ભારતે ખૂબજ નબળી શરૂઆત કરતાં ચોથી ઓવરમાં તો બન્ને ઓપનર્સ – ઈશાન કિશન અને ઋતુરાજ ગાયકવાડ પેવેલિયન ભેગા થઈ ગયા હતા. પણ ચોથી ઓવરમાં જ વરસાદ શરૂ થઈ ગયો હતો અને પછી રાત્રે 10.02 કલાકનો કટ-ઓફ ટાઈમ જાહેર કરાયો ત્યાં સુધી વરસાદ ચાલુ જ રહેતા આખરે અમ્પાયર્સ તથા મેચ રેફરીને મેચ પડતી મુકવાનો નિર્ણય લેવાની ફરજ પડી હતી. એ તબક્કે, ભારતનો સ્કોર 3.3 ઓવર્સમાં બે વિકેટે 28 રનનો રહ્યો હતો.

સાઉથ આફ્રિકા અત્યાર સુધીમાં ભારતમાં ત્રણ ટી-20 સીરીઝ રમ્યું છે, જેમાંથી 2015-16ની પહેલી સીરીઝમાં સા. આફ્રિકા 2-0થી વિજેતા રહ્યું હતું, તો 2019-20ની બીજી સીરીઝ 1-1થી બરાબરીમાં રહી હતી અને હાલમાં 2022ની ત્રીજી સીરીઝ પણ 2-2થી ડ્રો થઈ હતી. ત્રણે સીરીઝમાં બીજી એક સમાનતા એ રહી છે કે, દરેક સીરીઝમાં એક મેચ વરસાદના કારણે ધોવાઈ ગઈ હતી.

એકંદરે બંને ટીમો વચ્ચે અત્યાર સુધી 19 ટી-20 મેચ રમાઇ છે, જેમાંથી ભારતનો 11માં અને દક્ષિણ આફ્રિકાનો આઠ મેચમાં વિજય થયો છે. બંને ટીમો ભારતમાં આઠ ટી-20 રમી ચૂકી છે અને તેમાંથી દક્ષિણ આફ્રિકાએ પાંચ અને ભારતે ઘરઆંગણે ત્રણ મેચમાં વિજય હાંસલ કર્યો છે.

આ સીરીઝમાં અગાઉ પહેલી બે મેચમાં સાઉથ આફ્રિકાએ ભારતને હરાવ્યા પછી ત્રીજી અને ચોથી મેચ જે ગયા સપ્તાહે રમાઈ હતી, તેમાં ભારતે ઉત્તેજનાપૂર્ણ રીતે પ્રવાસી ટીમને હરાવી સીરીઝને ઉત્તેજનાપૂર્ણ બનાવી દીધી હતી. ભૂવનેશ્વર કુમારને પ્લેયર ઓફ ધી સીરીઝ જાહેર કરાયો હતો.

રાજકોટની ચોથી ટી-20: શુક્રવારે રાજકોટમાં રમાયેલી ચોથી ટી-20 ભારતે પહેલા બેટિંગ કરતાં નબળી શરૂઆત કરી હતી અને 40 રનમાં તો ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. અડધી ઈનિંગ પુરી થઈ ત્યારે ભારતના ત્રણ વિકેટે ફક્ત 56 રન થયા હતા. પણ એ પછી દિનેશ કાર્તિક અને હાર્દિક પંડ્યાએ આક્રમક બેટિંગ સાથે બાજી પલ્ટી નાખી હતી. કાર્તિકે 27 બોલમાં 55 અને પંડ્યાએ 31 બોલમાં 46 રન કરી ભારતને 10 ઓવરમાં 6 વિકેટે 169નો મજબૂત સ્કોર આપ્યો હતો. તેના જવાબમાં આવેશ ખાનની વેધક અને મારક બોલિંગ સામે સાઉથ આફ્રિકાના બેટ્સમેન ટકી શક્યા નહોતા અને 17મી ઓવરમાં ફક્ત 87 રનમાં પ્રવાસીઓ ઓલાઉટ થઈ ગયા હતા. તેમનો સુકાની બવુમા ઈજાગ્રસ્ત થતાં ફરી બેટિંગમાં આવી શક્યો નહોતો. ભારત તરફથી આવેશ ખાને 18 રનમાં ચાર, યુઝવેન્દ્ર ચહલે 21 રનમાં બે તથા હર્ષલ પટેલ અને અક્ષર પટેલે એક-એક વિકેટ ઝડપી હતી. દિનેશ કાર્તિકને તેની ટી-20 કારકિર્દીની પહેલી અડધી સદી બદલ પ્લેયર ઓફ ધી મેચ જાહેર કરાયો હતો.  ભારતનો 82 રને વિજય થયો હતો, જે સા. આફ્રિકા સામે રનના તફાવતમાં સૌથી મોટો વિજય રહ્યો હતો.

વિઝાગની ત્રીજી ટી-20: મંગળવારે (14 જુન) વિશાખાપટ્ટનમમાં રમાયેલી ત્રીજી ટી-20માં ભારતે પરાજયનો સિલસિલો અટકાવી પ્રવાસી દક્ષિણ આફ્રિકાને 48 રને હરાવ્યું હતું. આ મેચમાં પણ ભારતીય બેટ્સમેન અને પછી બોલર્સે શાનદાર દેખાવ કરતાં પ્રવાસી ટીમને છેલ્લી ઓવરમાં ઓલાઉટ કરી દીધી હતી ત્યારે તે 180 રનના ટાર્ગેટથી ખાસ્સી દૂર રહી ગઈ હતી.

આ મેચમાં ભારતના બન્ને ઓપનર્સ – ઋતુરાજ ગાયકવાડ અને ઈશાન કિશને અડદી સદી ફટકારી હતી, તો હાર્દિક પંડ્યાએ 21 બોલમાં 31 રન કરી ટીમને પાંચ વિકેટે 179 રનનો લડાયક સ્કોર આપ્યો હતો. સા. આફ્રિકા તરફથી ક્લાસેનના 29 રન શ્રેષ્ઠ સ્કોર અને 23 રનની ઓપનિંગ ભાગીદારી શ્રેષ્ઠ ભાગીદારી બની રહ્યા હતા, જે ભારતીય બોલર્સ અને ફિલ્ડર્સ છવાયેલા રહ્યા હોવાનું દર્શાવે છે. હર્ષલ પટેલે 25 રનમાં ચાર, યુઝવેન્દ્ર ચહલે 20 રનમાં ત્રણ તથા ભૂવનેશ્વર કુમાર અને અક્ષર પટેલે એક-એક વિકેટ લીધી હતી. ચહલને પ્લેયર ઓફ ધી મેચ જાહેર કરાયો હતો.