ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસન વચ્ચે ગુરુવારે વીડિયો કોન્ફરન્સીંગ દ્વારા દ્વીપક્ષીય બેઠક યોજાઇ હતી. જેમાં તેમણે બંને દેશોના સંબંધો વધુ મજબૂત કરવા અંગે ચર્ચા કરી હતી. વડાપ્રધાન મોદીએ સ્કોટ મોરિસનની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, તમે જે રીતે ભારતીય સમાજ અને વિદ્યાર્થીઓનું કોરોના મહામારી દરમિયાન ધ્યાન રાખ્યું તેના માટે હું આભારી છું. તો બીજી તરફ મોરિસને કહ્યું કે આપણે રૂબરૂ મળીશું ત્યારે ભેટીશું અને ગુજરાતી ખીચડીની મજા માણીશું. આ બંને દેશો વચ્ચે જુદા જુદા ક્ષેત્રના સાત સમજૂતી કરાર પણ કરવામાં આવ્યા હતા, જેમાંથી બે કરારની જાહેરાત કરવામાં આવી હતી. આ કરારમાં સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ અને મેરિટાઇમ સહયોગ સાધવાની બાબતનો સમાવેશ થાય છે.
ભારતના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન આ વર્ષે જાન્યુઆરી અને મે મહિનામાં ભારત આવવાના હતા, પરંતુ ત્યાંના જંગલોમાં આગ લાગવાની ઘટનાને કારણે અને મે મહિનામાં કોવિડ-19ના કારણે ન આવી શક્યા. પછી બંને વચ્ચે વર્ચ્યુઅલ મીટિંગ માટે સહમતિ થઇ હતી. વડાપ્રધાન મોદીએ કોઈ વિદેશી નેતા સાથે દ્વિપક્ષી વર્ચ્યુઅલ મીટિંગમાં ભાગ લીધો હોય તેવી કદાચ આ પ્રથમ ઘટના છે.
વર્ચ્યુઅલ મીટિંગમાં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને સ્કોટ મોરિસને નમસ્તેથી શરૂઆત કરી હતી. તેમણે કહ્યું કે પ્રથમવાર આપણે આ વર્ચ્યુઅલ મીટિંગ કરીએ છીએ. આજે વિશ્વ ટેક્નોલોજી દ્વારા આગળ વધી રહ્યું છે, આજની ચર્ચા તેનું ઉદાહરણ છે. ઈન્ડો પેસિફિક ક્ષેત્રને સમૃદ્ધ બનાવવા માટે આપણે સાથે કામ કરીશું. આ સમય આપણા સંબંધોને મજબૂત બનાવવાનો છે.
તાજેતરમાં જ મોરિસને સમોસા સાથે પોતાનો ફોટો ટ્વીટ કરીને કહ્યું હતું કે, મેં તેને કેરીની ચટણી સાથે તૈયાર કર્યા છે. આ શાકાહારી છે. આ અઠવાડિયામાં વડાપ્રધાન મોદી સાથે વીડિયો લિંક દ્વારા મીટિંગ કરીશ. જો આવું ન થયું હોત તો હું તેમની સાથે તેની મજા માણી શક્યો હોત.