ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વર્ચુઅલ સમિટ દરમિયાન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ બંગબંધુ-બાપુ ડિજિટલ એક્ઝિબિશનનું ઉદ્ધાઘટન કર્યું હતું. (PTI Photo)

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ ગુરુવારે ભારત-બાંગ્લાદેશ વચ્ચે વર્ચ્યુઅલ સમિટમાં ભાગ લઈને સંયુક્તપણે ચિલહાટી-હલ્દિબારી રેલ્વે લિન્કનું ઉદ્ઘાટન કર્યું હતું. આ સાથે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 1965 પહેલાં ચાલુ કરવામાં આવેલ 6 માંથી 5 રેલવે જોડાણ ફરીથી શરૂ થઈ જશે. આ સમિટ દરમિયાન સીમાપાર રેલવે જોડાણ ફરી ચાલુ કરવા સહિતના સાત કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

બાંગ્લાદેશ, 1971ના યુદ્ધમાં વિજયની 50મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યું હોવાથી વર્ચુઅલ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગે મોદીએ જણાવ્યું હતું કે બાંગ્લાદેશના વડાપ્રધાને કોરોના સામેની લડતમાં ખૂબ હિંમત બતાવી છે. ભારત કોરોનાની વેક્સિનને લઈને બાંગ્લાદેશને તમામ સંભવિત રીતે મદદ કરશે. આપણા નેબર ફર્સ્ટ નીતિનો બાંગ્લાદેશ એ મહત્વપૂર્ણ ભાગ છે. બાંગ્લાદેશના વડાપ્રધાન આ પ્રસંગે જણાવ્યું હતું કે ભારત બાંગ્લાદેશનો ખરો મિત્ર દેશ છે.

ચિલહાટી-હલ્દિબારી રેલ્વે લિન્ક ભારત અને બાંગ્લાદેશ વચ્ચે છે. તે ફરી શરૂ કરવામાં આવી છે. આ લિન્ક ભારત અને પાકિસ્તાન વચ્ચે 1965ના યુદ્ધ દરમિયાન બંધ કરવામાં આવી હતી. આ લિન્કની શરૂઆતની સાથે જ બાંગ્લાદેશથી આસામ અને બંગાળ વચ્ચે કનેક્ટિવિટીમાં સુધારો થશે. શરૂઆતમાં આ લિન્કનો ઉપયોગ માલસામાન લાવવા-મોકલવા માટે કરવામાં આવશે, બાદમાં મુસાફરોની સેવા શરૂ થઈ શકે છે.