પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

અમદાવાદ સિવિલમાં કોરોનાથી સાજા થયેલા અને વિવિધ બીમારીઓથી પીડાતા 44 દર્દી મ્યુકોરમાઇકોસીસનો ભોગ બન્યા છે, જેમાંથી 9નાં મોત થયાં છે. કોરોનાથી સાજા થયેલા, પરંતુ ડાયાબિટીસ, કિડની, હાઈપરટેન્શન અને મેદસ્વિતાથી પીડાતા લોકો માટે આવું જોખમ ઊભું થઈ શકે છે. આવી મલ્ટિપલ બીમારી ધરાવતા કોરોનાથી સાજા થયેલા લોકોમાં લોહીની નળીઓમાં લોહી ગંઠાઈ જવાથી આંખ, નાક અને મગજનાં હાડકાંને કોરી ખાતી મ્યુકોરમાઇકોસિસ નામની બીમારીનું જોખમ છે.

સિવિલ હોસ્પિટલનાં ડોક્ટરના જણાવ્યા અનુસાર દર્દીને શરદી, થોડા સમય પછી નાક બંધ થવું તેમ જ અઠવાડિયા બાદ નાકમાં ગાંઠ થવાનો અહેસાસ થાય છે. દર્દી ઈલાજ માટે આવે ત્યારે નાકમાં ગાંઠ જોવા મળે છે. આ બીમારીની સીધી અસર દર્દીની આંખ અને મગજ પર થતી હોય છે, જે દર્દીનાં અંગોમાં કેન્સર કરતાં પણ ઝડપથી પ્રસરે છે.
કોવિડ-19ના ચેપને કારણે લીધે દર્દીની લોહીની નળીમાં લોહીના ગઠ્ઠા થાય છે તેમ જ કોરોનાના દર્દીને સ્ટેરોઇડ આપવાને કારણે શુગર લેવલ પણ વધી જતું હોય છે, પણ જે દર્દી કોરોનામાંથી સાજા થયા હોય પણ તેમને અનકંટ્રોલ્ડ ડાયાબિટીસ, કિડની, હાઇપરટેન્શન અને મેદસ્વિતાથી પીડાતા હોય તેવા લોકોને નાક અને કાનનું સામાન્ય ઇન્ફેકશન થયા બાદ ફંગસ થાય છે.