CAA વિરૂદ્ધ પ્રસ્તાવ લાવનાર EU સામે ભારતે કડક પ્રતિક્રિયા આપી છે. ભારતે યુરોપીયન સંઘને કહ્યુ કે CAA અમારો આતંરિક મુદ્દો છે. આ કાયદાને સંસદમાં સાર્વજનિક ચર્ચા, યોગ્ય પ્રક્રિયા અને લોકતાંત્રિક માધ્યમોથી અપનાવવામાં આવ્યો છે. ભારતે યુરોપીયન સંસદ તરફથી સીએએ વિરૂદ્ધ તૈયાર કરવામાં આવેલા પ્રસ્તાવ પર વિરોધ વ્યક્ત કર્યો છે. EUના કેટલાક સદસ્યોએ નાગરિકતા કાનૂન વિરૂદ્ધ પ્રસ્તાવ તૈયાર કર્યો છે. જેની પર યુરોપીયન સંસદમાં ચર્ચા અને મતદાન થશે. યુરોપીયન સંસદમાં 29 જાન્યુઆરીએ પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે. આ પ્રસ્તાવ પર 30 જાન્યુઆરીએ મતદાન કરવામાં આવશે. યુરોપીયન યુનિયન સંસદના 751 સાંસદોમાંથી 626 સાંસદ કુલ 6 પ્રસ્તાવ નાગરિકતા કાનૂન અને જમ્મુ-કાશ્મીર સંબંધિત લાવ્યા છે. ભારતના નાગરિકતા કાનૂન પર યુરોપીયન યુનિયનના સાંસદોએ ચિંતા વ્યક્ત કરી છે. તેમનુ કહેવુ છે કે આ કાયદાના કારણે ખૂબ મોટા પાયે લોકોની નાગરિકતા છીનવાઈ શકે છે જેના કારણે કેટલાય લોકો રાજ્યવિહીન થઈ જશે.