નિવૃત્ત બાસ્કેટ બોલ સ્ટાર કોબી બ્રાયંટ (ઉ.41) સહિત 9 લોકોનું હેલીકોપ્ટર તૂટી પડતા મૃત્યુ નિપજ્યું હતું.કેલિફોર્નિયાના કેલાબેસસમાં આ દુર્ઘટનાને પગલે કોબીના ફેન્સમાં શોકની લહેર ફેલાઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે હેલિકોપ્ટરમાં સવાર કોઇ નહોતું બચ્યું.જાણકારી મુજબ આ દુર્ઘટના લોસ એન્જલસથી લગભગ 65 કિ.મી. દૂર બની હતી. આ કોબીનું પ્રાઈવેટ હેલિકોપ્ટર હતું. જાણવા મળતી વિગત મુજબ હેલિકોપ્ટરમાં હવામાં જ આગ લાગી ગઇ હતી ત્યારબાદ ચક્કર ખાઈને નીચે તૂટી પડ્યું હતું.ક્રેશનાં કારણે ઝાડીઓમાં આગ લાગી ગઇ હતી. જેના કારણે બચાવ દળને પણ પરેશાની થઇ હતી. હાલ એ સ્પષ્ટ નથી થયું કે હેલિકોપ્ટરમાં આગ કેમ લાગી હતી.અધિકારીઓ તપાસમાં લાગ્યા છે. અકસ્માતમાં મરનારા અન્ય લોકોની ઓળખ જાહેર નથી થઇ. કોબી પ્રતિષ્ઠિત નેશનલ બાસ્કેટ એસોસિએશનમાં 20 વર્ષ રહ્યો હતો. આ દરમિયાન તેણે 5 ચેમ્પિયનશીપ પોતાના નામે કરી હતી.