ભારતના વિદેશ પ્રધાન ડો એસ જયશંકર અને ચીનના વિદેશ પ્રધાન વાંગ યી. (ANI Photo)

ભારતની યાત્રા પર આવેલા ચીનના વિદેશ પ્રધાન વાંગ યીને ભારતે સ્પષ્ટ શબ્દોમાં સંભળાવ્યું હતું કે બંને દેશો વચ્ચે સામાન્ય સંબંધો માટે સરહદ પર શાંતિ અને સુલેહનું વાતાવરણ આવશ્યક છે. ભારતે પૂર્વ લડાખમાં વિવાદાસ્પદ પોઇન્ટ્સ પરથી ચીનના સૈનિકોને પાછા બોલાવી લેવાની પ્રક્રિયા ઝડપથી પૂરી કરવાની માગણી કરી હતી અને ભારપૂર્વક કહ્યું હતું કે જો સરહદ પરની સ્થિતિ ‘અસામાન્ય’ હોય તો દ્વિપક્ષીય સંબંધો સામાન્ય બની શકે નહીં.

ચીનના વિદેશ પ્રધાન સાથેની આશરે ત્રણ કલાક લાંબી બેઠકમાં ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરે જણાવ્યું હતું કે સરહદી વિસ્તારોમાં શાંતિ અને સુલેહના માહોલ પછી જ બંને દેશો વચ્ચેના સંબંધો સામાન્ય બનશે. જો આપણે બંને સંબંધોમાં સુધારો કરવા પ્રતિબદ્ધ હોઇએ તો તેનું સંપૂર્ણ પ્રતિબંધ સૈનિકોને પાછા ખેંચી લેવાની હાલની મંત્રણામાં પડવું જોઇએ.

જયશંકરે જણાવ્યું હતું કે એપ્રિલ 2020માં ચીનના પગલાંને કારણે  ચીન અને ભારત વચ્ચેના સંબંધોમાં ખલેલ પડી હતી. ચીનના વિદેશ પ્રધાન ગુરુવારે સાંજે કાબુલથી દિલ્હી આવ્યા હતા. બંને દેશો વચ્ચે પૂર્વ લડાખમાં હિંસક અથડામણના આશરે બે વર્ષ પછી ચીનના ઉચ્ચસ્તરીય અધિકારીની આ પ્રથમ ભારત મુલાકાત છે.

એક પ્રશ્વનના જવાબમાં જયશંકરે સ્થાપિત ધોરણો અને સમજૂતીઓનો ભંગ કરીને સરહદી વિસ્તારમાં ચીનના મોટી સંખ્યામાં સૈનિકોની હાજરીનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે જો તમે મને પૂછો કે શું આજે સંબંધો સામાન્ય છે તો મારો જવાબ નકારમાં છે. સંબંધો સામાન્ય નથી.