અરુણાચલપ્રદેશમાં ભારત અને ચીન વચ્ચેની સરહદનો વિસ્તાર (istockphoto.com)

નવો જમીન સીમા કાયદો ઘડવાના ચીનના એકક્ષીય નિર્ણયની ભારતે આકરી ટીકા કરીને તેને ચિંતાજનક ગણાવ્યો હતો. ભારતે જણાવ્યું હતું કે આ કાયદાથી સીમા સંચાલન અંગેની હાલની દ્વિપક્ષીય સમજૂતિઓને અને એકંદરે સરહદોને ગંભીર અસર થશે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું હતું કે ચીન આ કાયદાના ઓઠા હેઠળ કોઇ પગલાં નહીં લે તેવી ભારત અપેક્ષા રાખે છે, કારણ કે તેનાથી ભારત-ચીન સરહદ વિસ્તારોની સ્થિતિમાં એકપક્ષીય રીતે ફેરફાર થઈ શકે છે.

તેમણે જણાવ્યું હતું કે આ એકતરફી હિલચાલથી બંને પક્ષોએ કરેલી સમજૂતીનું ઉલ્લંઘન થાય છે. તેનાથી સરહદના પ્રશ્નો અને અંકુશરેખા પર શાંતિ અને સુમેળની જાળવણી માટેની સમજૂતીઓનો પણ ભંગ થાય છે.ગયા સપ્તાહે ચીને સરહદ પરની જમીનોના રક્ષણ અંગે નવો કાયદો ઘડ્યો હતો. તેનાથી ભારત સાથે બેઇંજિંગના સીમા વિવાદને અસર થઈ શકે છે.

ચીનનો આ નવો કાયદો આગામી વર્ષે પહેલી જાન્યુઆરીથી અમલી બને છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે ચીનના સાર્વભૌમત્વ અને અખંડતતા પવિત્ર અને ઉલ્લંઘન ન કરી શકાય તેવી છે.