અરુણાચલપ્રદેશમાં ભારત અને ચીન વચ્ચેની સરહદનો વિસ્તાર (istockphoto.com)

ચીને અરુણાચલપ્રદેશ સેક્ટરમાં વાસ્તવિક અંકુશ રેખા પરના વિવાદાસ્પદ વિસ્તારમાં એક મોટું ગામ વસાવ્યું હોવાના પેન્ટાગોનના અહેવાલ અંગે ભારતે ગુરુવારે પ્રથમ વખત સત્તાવાર પ્રતિક્રિયા આપી હતી. કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે ભારતે ચીન દ્વારા તેની જમીનના ગેરકાયદેર કબજાનો કે ચીનના કોઇપણ ગેરવાજબી દાવાનો સ્વીકાર કર્યો નથી.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું હતું કે ભારત તેની સુરક્ષાને અસર કરતી તમામ ગતિવિધિઓ પર ચાંપતી નજર રાખે છે તથા તેના સાર્વભોમત્વ અને અખંડિતાનું રક્ષણ કરવા જરૂરી તમામ પગલાં લે છે.
તેઓ અમેરિકાના રીપોર્ટ અંગેના પ્રશ્વનો જવાબ આપી રહ્યાં હતા. તેમણે જણાવ્યું હતું કે ભારતે પણ ચીન સાથેના સરહદી વિસ્તારોમાં રોડ અને બ્રિજના બાંધકામ સહિતના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણમાં વધારો કર્યો છે.

બાગચીએ જણાવ્યું હતું કે “અમેરિકાની સંસદને આપવામાં આવેલા અમેરિકાના સંરક્ષણ વિભાગના અહેવાલની અમે નોંધ લીધી છે, જે ભારત-ચીન સરહદ વિસ્તાર અને ખાસ કરીને ઇસ્ટર્ન સેક્ટરમાં ચીનની બાંધકામ પ્રવૃત્તિઓનો પણ ઉલ્લેખ કરે છે. ચીને દાયકાઓ પહેલા ગેરકાયદેસર રીતે કબજે કરેલા વિસ્તાર સહિતના સીમા વિસ્તારમાં છેલ્લાં કેટલાંક વર્ષોથી કન્ટ્રક્શન કામગીરી હાથ ધરી છે. ભારતે આપણી જમીનના આવા ગેરકાયદે કબજાનો કે ચીનના ગેરવાજબી દાવાનો સ્વીકાર કર્યો નથી.

પ્રવક્તાએ જણાવ્યું હતું કે ભારતે હંમેશા રાજદ્વારી માધ્યમો મારફત આવી પ્રવૃત્તિઓનો જોરદાર વિરોધ વ્યક્ત કર્યો છે અને ભવિષ્યમાં પણ આવું કરતું રહેશે. વધુમાં અગાઉ જણાવવામાં આવ્યું હતું તેમ સરકારે રોડ અને બ્રિજ વગેરેના નિર્માણ સહિત સીમા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધારો પણ કર્યો છે, જેનાથી સરહદ પરની સ્થાનિક વસતિને ખૂબ જરૂર છે તેવી કનેક્ટિવિટી મળી છે. સરકાર અરુણાચલપ્રદેશ સહિતના સીમા વિસ્તારોના નાગરિકોના જીવનધોરણમાં સુધારો કરવા માટે સીમા પર ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણના હેતુ માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે.