પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

જાહેર જનતા દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી તમામ આઇટમ પર તે વેજિટેરિયન કે નોન વેજિટેરિયનનું લેબલ લગાવવાની માગણી કરતી એક અરજી અંગે દિલ્હી હાઇ કોર્ટે ગુરુવારે કેન્દ્ર સરકારનો અભિપ્રાય માંગ્યો હતો. કોર્ટમાં થયેલી એક અરજીમાં માગણી કરવામાં આવી છે કે આઇટમના તમામ ઘટકો અને મેન્યુફેક્ચરિંગ પ્રક્રિયામાં વપરાતા કાચા માલને આધારે હોમ એપ્લાયન્સિસ અને તૈયાર વસ્ત્રો સહિતની તમામ પ્રોડક્ટ્સ માટે આવું લેબલ લગાવવામાં આવે.

જસ્ટિસ વિપિન સાંઘીના વડપણ હેઠળની ખંડપીઠે નોંધ્યું હતું કે દરેકને જાણવાનો અને પોતાની માન્યતાનું પાલન કરવાનો હક છે અને કેન્દ્ર સરકારે આ અંગે ગંભીરતાપૂર્વક વિચારણા કરવી જોઇએ. રામ ગૌરક્ષા દલ નામના એક ટ્રસ્ટે આ અરજી કરી છે. આ અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે શુદ્ધ શાકાહારી લોકો પણ અજાણતા કેટલીક નોન વેજિટેરિયન પ્રોડક્ટ્સનો ઉપયોગ અથવા ઉપભોગ કરે છે, કારણ કે તે અંગે પૂરતી માહિતી જાહેર કરવામાં આવતી નથી.

ખંડપીઠે જણાવ્યું હતું કે એ હકીકતનો ઇનકાર ન થઈ શકે કે દરેક વ્યક્તિને જાણકારીનો હક છે. આ હક મુક્ત વાણીના હકમાંથી ઊભો થાય છે. અરજદારે ઉઠાવેલા મુદ્દાની વ્યક્તિના જીવનના અધિકારને અસર થાય છે. દરેક વ્યક્તિને તેમની માન્યતાનું પાલન કરવાનો હક છે. કોર્ટના આદેશની નકલ વિચારણા માટે આરોગ્ય અને ગ્રાહક બાબતોના મંત્રાલયોના સંબંધિત સચિવોને મોકલવામાં આવે. કેન્દ્ર સરકારે આ અંગે ત્રણ સપ્તાહમાં જવાબ આપવાનો રહેશે.
અરજદારના વકીલ રજત અનેજાએ જણાવ્યું હતું કે રોજિંદા જીવનમાં એવી ઘણી આઇટમો અને કોમોડિટી છે કે પ્રાણીમાંથી અથવા પ્રાણી આધારિત પ્રોડક્ટ્સને પ્રોસેસ કરી બનાવામાં આવે છે. વ્હાઇટ ખાંડને પોલિશ કરવા કે રિફાઇનિંગ કરવા માટે હાડકાનો ભૂક્કો અથવા નેચરલ કાર્બનનો ઉપયોગ કરવામાં આવે છે, જે શાકાહારીના વપરાશ માટે યોગ્ય નથી. બોન ચાઇના પ્રોડક્ટ્સ અને ક્રેયોન્સમાં પણ પ્રાણીઓના ઘટકો હોય છે.

અરજદારે ભારપૂર્વક માગણી કરી છે કે નોન વેજિટેરિયન ઘટકોના ઉપયોગ અંગેની માહિતી જાહેર કરવી જોઇએ અને આ પરિબળને આધારે પ્રોડક્ટ્સને નોન વેજિટેરિયન જાહેર કરવી જોઇએ. વિવિધ ખાદ્ય ચીજવસ્તુઓ અને કોસ્મેટિક્સમાં પ્રાણીઓના એક્ટિવ ઇન્ગ્રેડિયન્ટ હોય છે.અરજદારે સ્પષ્ટતા કરી હતી કે તેઓ કોઇ પ્રોડક્ટ્સ પર પ્રતિબંધની માગણી કરતા નથી, પરંતુ માત્ર સત્ય જાણવા માગે છે.

કેન્દ્ર સરકાર વતી એડિશનલ સોલિટર જનરલ ચેતન શર્માએ જણાવ્યું હતું કે આ અરજીમાં પ્રમાણભૂત મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. અમે આ અંગે વિચારણા કરીશું. પરંતુ જો આદેશના સ્વરૂપમાં આવે તો તેનો ખર્ચ ઘણો મોટો છે. બોન ચાઇના, સાબુદાણા, ખાંડ ઘણી વસ્તુઓ છે.