પહેલગામ આતંકવાદી હુમલા પછી પડોશી દેશ સાથે વધી રહેલા તણાવ વચ્ચે ભારતે બુધવારે પાકિસ્તાન એરલાઇન્સ દ્વારા સંચાલિત ફ્લાઇટ્સ માટે તેની એરસ્પેસ બંધ કરી દીધી હતી. પાકિસ્તાનમાં રજિસ્ટર્ડ વિમાનો તેમજ પાકિસ્તાન એરલાઇન્સ અને ઓપરેટરો દ્વારા સંચાલિત, માલિકીના અથવા ભાડે લીધેલા વિમાનો માટે ભારતીય હવાઈ ક્ષેત્ર ઉપલબ્ધ રહેશે નહીં. આ ઉપરાંત આ પ્રતિબંધ પાકિસ્તાનના લશ્કરી વિમાનો માટે પણ લાગુ પડશે.
આ સંદર્ભમાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI)એ બુધવારે સાંજે એરમેનને નોટિસ (NOTAM) જારી કરી હતી અને તે 23મે સુધી લાગુ રહેશે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ સીધી ફ્લાઇટ્સ નથી.પાકિસ્તાની એરલાઇન્સ સિંગાપોર, મલેશિયા અને અન્ય પૂર્વ એશિયાઈ દેશોની ફ્લાઇટ્સ માટે ભારતીય હવાઈ ક્ષેત્રનો ઉપયોગ કરે છે.એક વરિષ્ઠ એર ટ્રાફિક કંટ્રોલર (ATC) એ જણાવ્યું હતું કે ભારતીય હવાઈ ક્ષેત્રનો ઉપયોગ કરતી પાકિસ્તાન એરલાઇન્સની ઘણી ફ્લાઇટ્સ ઓછી છે. અગાઉ ભારતે સિંધુ જળ કરાર સ્થગિત કરવા સહિતના કેટલાંક મોટા નિર્ણયો લીધા હતા. ભારતના પગલાંની પ્રતિક્રિયા રૂપે પાકિસ્તાનને પણ ભારતની એરલાઇન્સ માટે તેની એરસ્પેસ બંધ કરી દીધી છે.
