ઘણા મહિનાઓ સુધી તંગ વાટાઘાટો પછી અમેરિકા અને યુક્રેન વચ્ચે ખનિજ કરાર પર હસ્તાક્ષર થયા છે. આ સમજૂતી હેઠળ વોશિંગ્ટનને મહત્વપૂર્ણ ખનિજો અને અન્ય કુદરતી સંસાધનોનો ખજાનો મળશે. બીજી તરફ કિવને રશિયા સામે તેના રક્ષણ માટે લાંબા ગાળા સુધી અમેરિકાનું સમર્થન મળશે.
આ કરારની વિગતો હજુ જાહેર કરાઈ નથી, પરંતુ આર્થિક મંત્રાલય અને વડાપ્રધાન કાર્યાલયે કેટલીક વિગતો આપી હતી. આ કરાર માટે યુક્રેનની સંસદની મંજૂરી જરૂરી છે. કરાર હેઠળ યુક્રેન માટે રિકન્સ્ટ્રક્શન ફંડની રચના કરશે. તેનાથી યુક્રેને ભવિષ્યમાં લશ્કરી મદદ મળવાની પણ આશા છે.
અગાઉ વ્હાઇટ હાઉસમાં એક બેઠક દરમિયાન અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના પ્રેસિડન્ટ વોલોડીમીર ઝેલેન્સ્કી વચ્ચે ઉગ્ર ચર્ચાને કારણ આ કરારમાં વિલંબ થયો હતો.
યુક્રેનના અર્થતંત્ર પ્રધાન યુલિયા સ્વિરીડેન્કોએ ફેસબૂક પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે આ કરાર બંને દેશો માટે પરસ્પર ફાયદાકારક છે. આ કરારમાં અમેરિકાએ યુક્રેનમાં લાંબા ગાળાની શાંતિને પ્રોત્સાહન આપવાની તેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. તેમાં પરમાણુ શસ્ત્રાગારનો ત્યાગ કરીને વૈશ્વિક સુરક્ષામાં યુક્રેને જે યોગદાન આપ્યું છે તેની પણ નોંધ લેવાઈ છે.
અમેરિકાના નાણાપ્રધાન સ્કોટ બેસેન્ટે જણાવ્યું હતું કે આ કરાર રશિયાને સ્પષ્ટપણે સંકેત આપે છે કે ટ્રમ્પ વહીવટીતંત્ર લાંબા ગાળ માટે મુક્ત, સાર્વભૌમ અને સમૃદ્ધ યુક્રેન પર કેન્દ્રિત શાંતિ પ્રક્રિયા માટે પ્રતિબદ્ધ છે.
આ કરારમાં રેર અર્થ એલિમેન્ટ સહિત ખનિજો તથા ક્રૂડ ઓઇલ અને નેચરલ ગેસ સહિતની સંસાધનોને આવરી લેવાયા છે. અમેરિકા આ ખનિજો અને સંશાધનોમાં રોકાણ કરીને તેનો સપ્લાય મેળવશે. તેમાં લિથિયમ, ટાઇટેનિયમ અથવા યુરેનિયમ જેવા દુર્લભ ખનિજોનો સમાવેશ કરવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે. આ ખનિજો સેલફોન, હાર્ડડ્રાઇવ તથા હાઇબ્રિડ અને ઇલેક્ટ્રિકલ વ્હિકલ જેવી કન્ઝ્યુમર ટેકનોલોજી માટે આવશ્યક છે. ચીન આવા ખનિજોનો વિશ્વમાં સૌથી મોટો ઉત્પાદક દેશ છે તથા અમેરિકા અને યુરોપ ચીનના સપ્લાય પર નિર્ભર છે.
યુક્રેન પાસે રેર અર્થ એલિમેન્ટનો મોટા ભંડાર હોવાનું માનવામાં આવે છે. દેશમાં ટાઇટેનિયમનો પણ મોટો ભંડાર હોવાનું માનવામાં આવે છે. ટાઇટેનિયમનો ઉપયોગ એરોસ્પેસ, મેડિકલ અને ઓટોમોટિવ ઉદ્યોગોમાં થાય છે. યુક્રેનમાં યુરોપના સૌથી મોટા જાણીતા લિથિયમ ભંડારો પણ છે, જે બેટરી, સિરામિક્સ અને કાચના ઉત્પાદન માટે જરૂરી છે.
