Corona epidemic

ભારતમાં કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રાલયે મંગળવારે (30 એપ્રિલ) જણાવ્યું હતું કે, દેશમાં કોરોના વાઈરસના રોગચાળાની સ્થિતિ છેલ્લા થોડા દિવસોથી રોજેરોજ વધુ ને વધુ કથળી રહી છે. નેશનલ એક્સપર્ટ કમિટી ઓન વેક્સિનેશનના ચેરમેન વી. કે. પોલે કહ્યું હતું કે, કોરોના વાઈરસ વિષે આપણે હજી એવું માનતા થઈએ કે તે કાબુમાં છે, ત્યારે જ તેનો ચેપ ફરી ઝડપથી ફેલાતો જાય છે. તેમણે જો કે, વાયરસના મ્યુટન્ટ્સ (નવા નવા, બદલાતા રહેતા સ્વરૂપો) એ માટે જવાબદાર હોવાની વાત અને ચિંતા નકારી કાઢી હતી.

ભારતમાં કોરોના વાઇરસનો ચેપ લાગ્યાની સંખ્યામાં છેલ્લા બે દિવસમાં રોજ નવા 68,000થી  વધુ કેસ રવિવારે અને સોમવારે (28, 29 માર્ચ) નોંધાયા હતા, જે ગયા વર્ષના 10મી ઓક્ટોબર પછીના સૌથી વધુ મોટા આંકડા છે. દેશમાં કોરોનાગ્રસ્ત થયેલા કુલ દર્દીઓની સંખ્યા 12 મિલિયનને વટાવી ગયો હતો. આ આંકડો અમેરિકા અને બ્રાઝિલ પછી સૌથી વધુ છે.

આ અગાઉ, ગયા વર્ષે 10 ઓક્ટોબરે 74,418 કેસ નોંધાયા હતા. દેશમાં નોંધાયેલા કુલ કેસમાં 84.5 ટકા કેસ આઠ રાજ્યોમાં નોંધાયા છે. આ રાજ્યોમાં મહારાષ્ટ્ર, કર્ણાટક, પંજાબ, મધ્યપ્રદેશ, ગુજરાત, કેરળ, તમિલનાડુ અને છત્તીસગઢનો સમાવેશ થતો હોવાનું કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે સોમવારે સવારે આઠ વાગ્યે જણાવ્યું હતું.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના અહેવાલ મુજબ દેશમાં એક્ટિવ કેસની સંખ્યા સતત 19માં દિવસે (રવિવારે) વધીને 5,21,808 થઈ હતી, જે કુલ કેસના 4.33 ટકા છે. એક્ટિવ કેસની સંખ્યામાં એક દિવસમાં 35,498નો વધારો થયો હતો. દેશના કુલ એક્ટિવ કેસમાંથી 80.17 ટકા કેસ પાંચ રાજ્યો -મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, કર્ણાટક અને છત્તીસગઢમાં છે. કોરોનાનો રીકવરી રેટ ઘટીને 94.32 ટકા થયો હતો.

એક દિવસમાં (રવિવારે) 68,020 નવા કેસ સાથે દેશમાં કુલ કેસની સંખ્યા વધીને 1,20,39,644 થઈ હતી. સોમવારે પણ લગભગ 68,000 જેટલા નવા કેસ નોંધાયા હતા. તેમાંથી લગભગ 1.13 કરોડ લોકો સાજા થઈ ચૂક્યા છે. રવિવારે 291 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક વધીને 1,61,843 થયો હતો. કુલ દૈનિક મોતમાંથી 81.79 ટકા મોત સાત રાજ્યોમાં થયા હતા. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 198 અને પંજાબમાં 69 લોકોનાના કોરોનાથી મોત નીપજ્યા હતા. 15 રાજ્યો અને કેન્દ્રીતશાસિત પ્રદેશોમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના કારણે એક પણ વ્યક્તિનું મોત થયું ન હતું.

મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉનની તૈયારી કરવાની રવિવારે સૂચના આપી હતી. મહારાષ્ટ્રમાં એક દિવસમાં કોરોના વાઇરસના નવા 40,414 કેસો નોંધાયા હતા અને 108 લોકોના મોત નીપજ્યા હતા. સૌથી વધુ પ્રભાવિત મહારાષ્ટ્રમાં અત્યાર સુધી 27,13,857 લોકો સંક્રમિત થઇ ચૂક્યા છે, જ્યારે 54,181 લોકો જીવ ગુમાવી બેઠા છે. અહીં સક્રિય કેસનો આંકડો પણ વધીને 3,25,901 સુધી પહોંચી ગયો હતો. શનિવારે પણ મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણના 35,726 નવા કેસ સામે આવ્યા હતા.

દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઇમાં અત્યાર સુધીના સૌથી વધારે કેસ નોંધાયા હતા. એક દિવસમાં 6,923 નવા કેસ સામે આવ્યા હતા, જ્યારે આઠ દર્દીઓના મોત થયા હતા. મુંબઇમાં કુલ કેસનો આંકડો વધીને 3,98,674 સુધી પહોંચ્યો છે. અહીંનો કુલ મૃત્યુઆંક 11,649 છે. કર્ણાટકમાં 3,082, પંજાબમાં 2,870, મધ્યપ્રદેશમાં 2,276, ગુજરાતમાં 2,270, કેરળમાં 2,216, તમિલનાડુમાં 2,194 અને છત્તીસગઢમાં 2,153 નવા કેસ નોંધાયા હતા. વૈશ્વિક સ્તરે કોરોનાના કુલ કેસ 12.55 કરોડ થયા હતા અને મૃત્યુઆંક વધીને 27.56 લાખ થયો હતો.

દરરોજ નવા કેસની સંખ્યામાં વધારો 10 રાજ્યોમાં – ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, દિલ્હી, તામિલનાડુ, કર્ણાટક, છત્તીસગઢ, હરિયાણા અને રાજસ્થાનમાં નોંધાઈ રહ્યો છે.

બીજી તરફ, રસી આપવાનું પ્રમાણ પણ આગળ ધપી રહ્યું છે, ભારતમાં અત્યારસુધીમાં 6 કરોડથી વધુ લોકોને રસી અપાઈ ચૂકી છે, જેમાં 51,78,065 હેલ્થકેર વર્કર્સે રસીના બન્ને ડોઝ લઈ લીધા છે. 81,56,997 હેલ્થકેર વર્કર્સે એક ડોઝ લીધો છે, તો ફ્રન્ટલાઈન વર્કર્સમાં 36,92,136 લોકોએ બે ડોઝ તથા 89,12,113 ફ્રન્ટલાઈન વર્કર્સે એક ડોઝ લીધો છે.

45 વર્ષથી વધુની વયના પણ ડાયાબિટિઝ વગેરે જેવી કો-મોર્બિડિટિઝ ધરાવતા 67,31,223 નાગરિકોએ તથા 60 વર્ષથી વધુની વયના 2,78,59,901 લોકોએ રસીના એક-એક ડોઝ લીધા છે. કુલ રસીકરણનો 60 ટકા હિસ્સો ગુજરાત સહિતના આઠ રાજ્યોમાં હાંસલ થયો છે. અન્ય રાજ્યોમાં મહારાષ્ટ્ર, કેરળ, મધ્ય પ્રદેશ, કર્ણાટક, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ તથા રાજસ્થાનનો સમાવેશ થાય છે.

કોરોનાથી સાજા થઈ ગયેલા કુલ દર્દીઓની સંખ્યા પણ ભારતમાં 1,13,55,993ની થઈ છે. સાજા થનારાઓની સંખ્યામાં પણ 17,874 સાથે મહારાષ્ટ્ર પ્રથમ સ્થાને છે.