ભારતમાં કોરોના વાઇરસના બુધવારે નવા 58,097 કેસ નોંધાયા હતા, જ્યારે ઓમિક્રોનના કેસનો આંક 2,000ને પાર કરી ગયો હતો. ગયા વર્ષે માર્ચ મહિનામાં ભારતમાં શરુ થયેલી બીજી લહેરની જેમ નવા કેસમાં ઝડપથી વધારો નોંધાઈ રહ્યો છે. દેશમાં એક જ દિવસમાં 55% કેસનો રેકોર્ડ ઉછાળો નોંધાયો હતો. ગયા વર્ષે જૂન મહિનામાં 58 હજાર કેસ નોંધાયા પછી ફરી એકવાર 58 હજારનો આંકડો પાર કરીને બુધવાર (5 જાન્યુઆરી 2022)એ 58,097 કેસ નોંધાયા હતા. દેશના કુલ 24 રાજ્યોમાં ઓમિક્રોન વેરિયન્ટનો ફેલાવો થઈ ચુક્યો છે. કુલ ઓમિક્રોન કેસની સંખ્યા વધીને 2,135 થઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના વધુ 75 કેસ નોંધાતા કુલ 663 કેસ થયા હતા, આ પછી દિલ્હીમાં ઓમિક્રોનના કેસની સંખ્યા વધીને 464 થઈ હતી.

આરોગ્ય મંત્રાલયના બુધવારના ડેટા મુજબ દેશમાં છેલ્લાં 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 58,097 કેસ નોંધાયા હતા અને 534 દર્દીઓના મોત થયા હતા. નવા કેસમાં વધારો થવાની સાથે દૈનિક મૃત્યુઆંક પણ 500ને પાર પહોંચી ગયો છે. સાજા થનારા દર્દી કરતા નવા કેસમાં વધારો થતા એક્ટિવ કેસ ફરી 2 લાખને પાર કરીને 2,14,004 પર પહોંચી ગયો છે. ભારતમાં 24 કલાકમાં વધુ 15,389 દર્દીઓ સાજા થયા છે. આગામી બે સપ્તાહમાં એક્ટિવ કેસ રેકોર્ડ સ્તરે પહોંચશે તેવી શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે.

મુંબઈ અને અમદાવાદ સહિત અન્ય શહેરોમાં કોરોનાના નવા કેસમાં ઉછાળો થવાની સાથે હોસ્પિટલોમાં દાખલ થતા દર્દીઓની સંખ્યામાં થઈ રહ્યો છે વધારો. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે ભારતમાં કોરોનાના કુલ કેસની સંખ્યા વધીને 35.02 મિલિયન થઈ ગઈ છે અને કુલ 4,82,551 દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. જ્યારે 3,43,21,803 દર્દીઓ સાજા થયા છે. દૈનિક પોઝિટિવિટી રેટ 4.18 ટકા નોંધાયો છે.