NEW DELHI: COVID-19 INDIA UPDATE : PTI GRAPHICS(PTI4_19_2021_001010001)

ભારતમાં કોરોના વાઇરસના એક દિવસમાં વિક્રમજનક 2,73,810 નવા કેસ સાથે કોરોનાના કુલ કેસની સંખ્યા સોમવારે 1.50 કરોડને વટાવી ગઈ હતી. દેશમાં છેલ્લાં 15 દિવસમાં કોરોનાના નવા 25 લાખ કેસ નોંધાયા હતા. એક્ટિવ કેસની સંખ્યા પણ 19 લાખને પાર કરી ગઈ હતી. દેશમાં એક દિવસમાં 1,619 દર્દીના મોત સાથે કુલ મૃત્યુઆંક વધીને 1,78,769 થયો હતો, એમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે સોમવારે સવારે આઠ વાગ્યે જણાવ્યું હતું.

સરકારના સોમવાર સવારના ડેટા મુજબ એક્ટિવ કેસની સંખ્યા સતત 40માં દિવસે વધીને 19,29,329 થઈ હતી, જે કુલ કેસના 12.81 ટકા છે. રાષ્ટ્રીય રિકવરી રેટ ઘટીને 86 ટકા થયો હતો. કોરોનામાંથી અત્યાર સુધી આશરે 1,29,53,821 લોકો રિકવર થયા છે. કોરોનાનો મૃત્યુદર કથળીને 1.19 ટકા થયો હતો.

ICMRના જણાવ્યા અનુસાર 18 એપ્રિલ સુધી 26,78,94,549 લોકોના કોરોના ટેસ્ટ થયો હતા. એક દિવસમાં 13,56,133 લોકોના ટેસ્ટ થયા હતા.  દેશમાં કોરોના કુલ કેસમાંથી દસ રાજ્યોમાં 78 ટકા નવા કેસ નોંધાયા હતા. આ રાજ્યોમાં મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, દિલ્હી અને રાજસ્થાન, તમિલનાડુ, કર્ણાટક, ગુજરાત, કેરળ, મધ્યપ્રદેશ અને છત્તીસગઢનો સમાવેશ થાય છે.

મહારાષ્ટ્રમાં એક દિવસમાં સૌથી વધુ 68,631 નવા કેસ નોંધાયા હતા. ઉત્તરપ્રદેશમાં 30,566 અને દિલ્હીમાં 25,462 નવા કેસ નોંધાયા હતા. દેશના કુલ એક્ટિવ કેસમાંથી 63.18 ટકા કેસ મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઉત્તરપ્રદેશ, કર્ણાટક અને કેરળમાં હતા. દેશમાં 18 એપ્રિલે થયેલા કુલ 1,619 મોતમાંથી 85.11 ટકા મોત દસ રાજ્યોમાં થયા હતા. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 503 અને છત્તીગઢમાં 170ના મોત થયા હતા. દેશમાં 18 એપ્રિલ સુધીમાં વેક્સીનના કુલ 12.38 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.