ભારતે ગત વર્ષે કરેલી સર્જિકલ સ્ટ્રાઇકને પાકિસ્તાનમાં ભય ફેલાયેલો છે. આ વાતને સમર્થન આપતું એક નિવેદન પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહેમૂદ કુરેશીએ શુક્રવારે અબુધાબીમાં આપ્યું છે. તેમણે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, તેમની પાસે વિશ્વસનીય માહિતી છે કે ભારત ફરીથી પાકિસ્તાન પર સર્જિકલ સ્ટ્રાઈક કરવા વિચારે છે. કુરેશી બે દિવસની મુલાકાતે અબુધાબી પહોંચ્યા છે.
આ મુલાકાત દરમિયાન તેઓ યુએઈ સરકારના ઉચ્ચ અધિકારીઓને પણ મળ્યા હતા. તેમણે યુએઈના અગ્રણીઓ સાથે દ્વિપક્ષીય બેઠકો કરી હતી. કુરેશીએ એમ પણ કહ્યું હતું કે, ભારત તેના મહત્વપૂર્ણ ભાગીદાર દેશો સાથે પણ વાત કરી રહ્યું છે, જેને તે પોતાનો ભાગીદાર માને છે અને તેમની પાસેથી આ અંગે સંમતિ મેળવવાનાં પ્રયાસ કરી રહ્યું છે.
કુરેશીએ વધુમાં જણાવ્યું હતું કે, ભારતમાં અત્યારે ખેડૂત આંદોલન સહિત અનેક ‘ગંભીર આંતરિક સમસ્યાઓ’ છે, જેના પરથી ધ્યાન હટાવવા સરકાર આવા પગલાં લઈ શકે છે, જેથી એક વિભાજિત રાષ્ટ્ર પાકિસ્તાનના નામે એક થઈ શકે. ‘ડોન’ અખબારના રીપોર્ટ મુજબ, ભારત તરફથી સર્જિકલ સ્ટ્રાઈકના ખતરાને ધ્યાનમાં રાખીને પાકિસ્તાનની સેનાને અગાઉથી સતર્ક રહેવા જણાવવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા ચાર વર્ષમાં ભારતે પાકિસ્તાન અને ત્રાસવાદી કેમ્પ્સ પર બે મોટી સર્જિકલ સ્ટ્રાઇક કરી છે. વર્ષ 2016માં 29 સપ્ટેમ્બરના રોજ, ભારતે પ્રથમવાર પાકિસ્તાનના કબજા હેઠળના વિસ્તારમાં સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી. જમ્મુ-કાશ્મીરના ઉરી સેક્ટરમાં ભારતીય મિલિટરી કેમ્પ પર ત્રાસવાદીઓએ હુમલા કર્યો હતો. જ્યારે 26 ફેબ્રુઆરી, 2019 ના રોજ, પાકિસ્તાનના બાલાકોટ ખાતે ભારતે હવાઈ હુમલો કરીને જૈશ-એ-મોહમ્મદના કેમ્પોનો નાશ કર્યો હતો. જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા પર હુમલો થયા બાદ આ સર્જીકલ સ્ટ્રાઇક કરવામાં આવી હતી.