કોરોના વિરુદ્ધ લડાઇમાં 21 દિવસના લોકડાઉનના અંતિમ દિવસે રાષ્ટ્રે સંબોધન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકડાઉન 3 મે સુધી લંબાવવાનો નિર્ણય આપ્યો. દેશભરમાં આશરે 500ની આસપાસ કોરોનાના પોઝિટીવ કેસ થયા હતા ત્યારે 21 દિવસના લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

પરંતુ આ 21 દિવસના લોકડાઉન દરમિયાન કોરોના વાયરસ પર અંકુશ મેળવવાને બદલે કેસોમાં ભારે ઉછાળો જોવા મળ્યો, ખાસ કરીને દિલ્હીની નિઝામુદ્દીન મરકઝમાં જમા થયેલા હજારો તબલીગી જમાતીઓ દેશભરમાં ફેલાયા અને સાથે-સાથે કોરોના ફેલાવાનુ માધ્યમ પણ બન્યા.

આ સમય દરમિયાન ભારતમાં કુલ કેસોની સંખ્યા અનેક ગણી વધી ગઇ હતી. તાજેતરના આંકડાઓની વાત કરીએ તો વિતેલા 24 કલાકમાં કોરોનાથી 24 મોત અને 1463 નવા કેસો સામે આવ્યા છે. આ આંકડો અત્યાર સુધીનો ચેપ ફેલાવાનો સૌથી ઝડપી આંકડો છે. ભારતમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 10815 છે.

જે દરમિયાન 1190 લોકો સારવાર દરમિયાન ઠીક થઇને હોસ્પિટલમાંથી છૂટી મેળવી લીધી છે. આ વાયરસને કારણે ભારતમાં મૃત્યુઆંક 353 થયો છે. આ માહિતી સ્વાસ્થ મંત્રાલય દ્રારા સમયસર કરવામાં આવી રહેલી પત્રકાર પરિષદમાં જાહેર કરવામાં આવી હતી.ICMRના પ્રવક્તા આર. ગંગાખેડકરે જણાવ્યુ કે, અત્યાર સુધી દેશમાં 231902 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જે 166 સરકારી અને 70 ખાનગી લેબમાં કરવામાં આવ્યા.