ભારતમાં કોવિડ-19ના સક્રિય કેસોની સંખ્યામાં તીવ્ર ઘટાડો નોધાઇ રહ્યો હોવાથી શુક્રવારે આ આંકડો 1.35 લાખ (1,35,926) થઇ ગયો છે.
દેશમાં નોંધાયેલા કુલ પોઝિટવ કેસોમાંથી હવે સક્રિય કેસોની સંખ્યા ઘટીને માત્ર 1.25% રહી છે. છેલ્લા કેટલાક અઠવાડિયાથી દૈનિક ધોરણે સક્રિય કેસોની સંખ્યામાં સતત ઘટાડા તરફી વલણ જળવાઇ રહ્યું છે.
છેલ્લા 24 કલાકમાં ભારતમાં નવા સંક્રમિત કેસોના વિતરણનો આલેખ દર્શાવે છે કે માત્ર એક જ રાજ્યમાં 1000થી વધારે નવા કેસો નોંધાયા છે જ્યારે બાકીના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં નવા નોંધાયેલા કેસોની સંખ્યા 1000 કરતાં ઓછી છે. છેલ્લા 24 કલાકમાં 4 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં એક પણ નવો પોઝિટીવ કેસ નોંધાયો નથી. આમા દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ, લદાખ, ત્રિપુરા તેમજ આંદામાન અને નિકોબારના ટાપુઓ છે.
વિવિધ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં દૈનિક ધોરણે મૃત્યુઆંકનું વિતરણ દર્શાવે છે કે, મૃત્યુઆંકમાં દરરોજ નોંધપાત્ર ઘટાડો થઇ રહ્યો છે અને છેલ્લા 24 કલાકમા 18 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં એકપણ દર્દીનું મૃત્યુ નોંધાયું નથી. 13 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં દૈનિક મૃત્યુઆંક 1-5 સુધીનો છે.
દેશમાં છેલ્લા 24 કલાકમાં નવા 9,309 કેસ પોઝિટીવ નોંધાયા હોવાની પુષ્ટિ થઇ છે. સમાન સમયગાળામાં નવા સાજા થયેલા દર્દીઓની સંખ્યા 15,858 નોંધાઇ છે.
રાષ્ટ્રીય સાજા થવાનો દર (97.32%) સતત વૈશ્વિક સ્તરે સર્વાધિક દર ધરાવતા દેશોમાં જળવાઇ રહ્યો છે. સાજા થનારા દર્દીઓની સંખ્યામાં સતત વૃદ્ધિના કારણે રાષ્ટ્રીય સાજા થવાનો દર પણ પ્રગતીપૂર્ણ રીતે સુધરી રહ્યો છે.
કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 1,05,89,230 થઇ ગઇ છે. સાજા થયેલા દર્દીઓ અને સક્રિય કેસોની સંખ્યા વચ્ચેનો તફાવત સતત વધી રહ્યો છે જે હાલમાં 1,04,53,304 છે. દેશમાં 12 ફેબ્રુઆરી 2021ના રોજ સવારે 8 વાગ્યા સુધીમાં 75 લાખથી વધારે (75,05,010) લાભાર્થીઓને કોવિડ-19 વિરોધી રસીકરણ કવાયત અંતર્ગત રસી આપવામાં આવી છે.
કુલ 75,05,010 લાભાર્થીઓને રસીકરણ કવાયત હેઠળ આવરી લેવામાં આવ્યા છે જેમાંથી 58,14,976 આરોગ્ય સંભાળ કર્મચારી (HCW) અને 16,90,034 અગ્ર હરોળના કર્મચારી (FLW) છે. રસીકરણ માટે આજદિન સુધીમાં કુલ 1,54,370 સત્રોનું આયોજન કરવામાં આવ્યું છે. 70 લાખ (7 મિલિયન)થી વધારે લોકોને રસીકરણના ચિહ્ન સુધી સૌથી ઝડપથી પહોંચનારો દેશ ભારત છે.
27મા દિવસે (11 ફેબ્રુઆરી 2021) રસીકરણ કવાયત હેઠળ કુલ 11,314 સત્રોમાં 4,87,896 લાભાર્થીઓ (HCW- 1,09,748 અને FLW- 3,78,148)ને રસી આપવામાં આવી હતી. રસી લેનારા લાભાર્થીઓની સંખ્યામાં દૈનિક ધોરણે પ્રગતીપૂર્ણ વધારો નોંધાઇ રહ્યો છે. કુલ લાભાર્થીઓમાંથી 69% લોકો 10 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી છે. ઉત્તરપ્રદેશમાં સૌથી વધુ 10.2% (7,63,421) લાભાર્થીઓને રસી આપવામાં આવી છે.
નવા સાજા થયેલા દર્દીઓમાંથી 86.89% કેસ 6 રાજ્યોમાંથી નોંધાયા હતા. નવા સાજા થયેલા દર્દીઓની સંખ્યામાં મહારાષ્ટ્ર (6,107) સૌથી ટોચના સ્થાને છે જ્યારે તે પછીના ક્રમે કેરળ (5,692) અને છત્તીસગઢ (848) છે. નવા નોંધાયેલા 79.87% કેસ 6 રાજ્યોમાંથી છે.
કેરળમાં એક દિવસમાં સૌથી વધુ 5,281 નવા કેસ નોંધાયા છે. ત્યારપછીના ક્રમે, મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં અનુક્રમે 652 અને 481 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં વધુ 87 દર્દીઓ સમગ્ર દેશમાં મૃત્યુ પામ્યા છે. નવા મૃત્યુઆંકમાં 75.86% દર્દીઓ છ રાજ્યોમાંથી હોવાનું નોંધાયું છે. મહારાષ્ટ્રમાં દૈનિક ધોરણે સૌથી વધુ 25 દર્દી મૃત્યુ પામ્યા છે. તે પછીના ક્રમે કેરળમાં દૈનિક ધોરણે વધુ 16 દર્દીનાં મૃત્યુ નોંધાયા છે.