ભારતમાં ગઇકાલે રાષ્ટ્રવ્યાપી રસીકરણ કવરેજનો કુલ આંકડો 40 કરોડ કરતાં વધારે થઇ ગયો છે. આજે સવારે 7 વાગ્યા સુધીના હંગામી અહેવાલ અનુસાર, દેશમાં આજદિન સુધીમાં કુલ 50,09,914 સત્રોનું આયોજન કરીને રસીના 39,96,95,879 ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં રસીના 42,12,557 ડોઝ આપવામાં આવ્યા છે.
21 જૂનથી કોવિડ-19 વિરોધી રસીકરણ અભિયાનના સાર્વત્રીકરણના નવા તબક્કાનો આરંભ થયો છે. કેન્દ્ર સરકાર સમગ્ર દેશમાં કોવિડ-19 રસીકરણનો વ્યાપ વધારવા માટે અને તેને વધુ વેગવાન બનાવવા માટે પ્રતિબદ્ધ છે.
મહામારીની શરૂઆતથી આજદિન સુધીમાં કોવિડ-19ના કુલ પોઝિટીવ થયેલા કેસમાંથી 3,02,27,792 દર્દીઓ સાજા થઇ ગયા છે અને છેલ્લા 24 કલાકમાં વધુ 43,916 દર્દીઓ સાજા થયા છે. આના કારણે એકંદરે સાજા થવાનો દર વધીને 97.31% થયો છે અને તેમાં સતત વૃદ્ધિનું વલણ જળવાઇ રહ્યું છે.
છેલ્લા 24 કલાકમાં ભારતમાં દૈનિક 38,079 નવા કેસ નોંધાયા છે. તેર દિવસથી સતત 50,000 કરતા ઓછા દૈનિક નવા કેસ નોંધાયા છે. આ કેન્દ્ર અને રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા સતત અને સહયોગી પ્રયત્નોનું પરિણામ છે.
સક્રિય કેસના ભારણમાં પણ ભારતમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. દેશમાં સક્રિય કેસનું ભારણ આજે 4,24,025 છે અને સક્રિય કેસ હવે દેશના કુલ પોઝિટીવ કેસના માત્ર 1.36% છે.
સમગ્ર દેશમાં દૈનિક ધોરણે પરીક્ષણોની ક્ષમતામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં દેશમાં 19,98,715 કુલ પરીક્ષણો કરવામાં આવ્યા છે. ભારતમાં આજદિન સુધીમાં કુલ મળીને 44.20 કરોડથી વધારે (44,20,21,954) પરીક્ષણો કરવામાં આવ્યા છે. એક તરફ, દેશમાં થતા પરીક્ષણોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે અને બીજી તરફ સાપ્તાહિક ધોરણે કેસની પોઝિટીવિટીમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. સાપ્તાહિક પોઝિટીવિટી દર હાલમાં 2.10% છે જ્યારે દૈનિક પોઝિટીવિટી દર આજે 1.91% નોંધાયો છે. દૈનિક પોઝિટીવિટી દર સળંગ 26 દિવસથી ૩%થી ઓછો છે અને 40 દિવસથી આ દર 5%થી નીચે જળવાઇ રહ્યો છે.