ભારતમાં કોવિડ-19થી દેશમાં કુલ મૃત્યુઆંક વધીને પાંચ લાખને પાર કરી ગયો છે. આથી આંકડાની રીતે અમેરિકા અને બ્રાઝિલ પછી ભારત વિશ્વનો ત્રીજો દેશ બની ગયો છે. છેલ્લાં બે વર્ષથી સમગ્ર વિશ્વને ભરડામાં લેનાર આ મહામારીથી મોતની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. જોકે રસીના ડોઝને કારણે મૃત્યુ દરમાં ઘટાડો નોંધાયો છે.
ગત વર્ષે પહેલી જુલાઇના ચાર લાખથી વધીને પાંચ લાખ સુધી પહોંચવામાં ૨૧૭ દિવસનો સમય લાગ્યો છે. જે એક લાખ મોત માટે અત્યારસુધી લેવામાં આવેલો સૌથી લાંબો સમય છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે એપ્રિલ-મેમાં કોરોનાની બીજી લહેર આવી હતી. ભારતમાં બે લાખથી ત્રીજા લાખ સુધી પહોંચવામાં એક મહિના જેટલો જ સમય લાગ્યો હતો.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડામાં ઉમેરાયું છે કે દૈનિક ૧,૦૭૨ દિવસના મોત સાથે કોરોનાથી થયેલો મૃત્યુઆંક ઉછળીને ૫,૦૦,૦૫૫ પહોંચી ગયો છે. કુલ ૯.૨ લાખના આંક સાથે અમેરિકા કોરોનાથી થયેલા મોતની રીતે સૌથી ટોચ પર છે. એ પછી બ્રાઝીલમાં મોતનો આંકડો ૬.૩ કરોડને પાર કરી ગયો છે. હાલમાં ભારત સૌથી વધુ ચેપગ્રસ્ત ઓમિક્રોન વેરિઅન્ટને કારણે કોરોનાની ત્રીજી લહેરમાં છે. જોકે આ લહેરમાં બીમારીની તીવ્રતા ઘટી છે. આરોગ્ય સચિવ લવ અગ્રવાલે કહ્યું હતું કે ૩૪ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોરોનાના કેસોમાં ઘટાડો થઇ રહ્યો છે અને પોઝિટિવિટી દર પણ ઘટી રહ્યો છે. માત્ર કેરળ અને મિઝોરમ જ હાલમાં ચિંતાનું કારણ છે. કોરોનાના દૈનિક કેસો, દૈનિક સક્રિય કેસો અને દૈનિક પોઝિટિવિટી રેટમાં સતત ઘટાડો થયો છે, જે ચેપના પ્રસારમાં ઘટાડાનો સંકેત છે. લોકોએ વધુને વધુ રસી લેતાં મોતના દરમાં ઘટાડો નોંધાયો છે.