અમેરિકા અને ભારત વચ્ચેના સંબંધો તેની પોતાની યોગ્યતા આધારિત છે તથા રશિયા સાથેની વર્તમાન તંગદિલીથી અમેરિકા-ભારત વચ્ચેના સંબંધોને કોઇ અસર થઈ નથી, એમ અમેરિકાના વિદેશ મંત્રાલયના અધિકારીએ જણાવ્યું હતું. યુક્રેનની સરહદ પરની સ્થિતિની ચર્ચા કરવા યુએન સિક્યોરિટી કાઉન્સિલમાં મતદાન દરમિયાન ભારત ગેરહાજર રહ્યા પછી અમેરિકાએ આ પ્રતિક્રિયા આપી છે. યુક્રેનના મુદ્દે અમેરિકાના સમર્થનમાં મતદાન કરવાને બદલે ભારત ગેરહાજર રહ્યું હતું. તેનાથી અમેરિકા નારાજ થયું હોવાની અટકળો થઈ રહી હતી.
યુનાઇટેડ નેશન્સની સિક્યોરિટી કાઉન્સિલમાં યુક્રેન અંગે ભારતના વલણ સંબંધિત પ્રશ્નોનો જવાબ આપવાનું અમેરિકાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા નેડ પ્રાઇસ એક સપ્તાહમાં બીજી વખત ટાળ્યું હતું. યુક્રેન કટોકટીને કારણે રશિયા સાથે તંગદિલીને કારણે અમેરિકા અને ભારત વચ્ચેના સંબંધોને અસર થઈ છે કે નહીં તેવા પ્રશ્નના જવાબમાં પ્રવક્તાએ જણાવ્યું હતું કે, અમે ભારત સાથે તેની પોતાની યોગ્યતાને આધારે સંબંધો ધરાવીએ છીએ. હું આ મુદ્દે યુએન સિક્યોરિટીમાં પોતાના વલણની ચર્ચા કરવાની બાબત અમારા ભારતીય ભાગીદારો પર છોડી દઉ છું.
રશિયાએ યુક્રેન સાથેની સરહદ નજીક આશરે 1 લાખ સૈનિકો તૈનાત કર્યા છે. આ પછી પશ્ચિમી દેશોએ ચેતવણી આપી છે કે મોસ્કો યુક્રેન પર આક્રમણ કરી શકે છે. પ્રવક્તાએ જણાવ્યું હતું કે યુક્રેન સામે રશિયાના આક્રમણથી આજુબાજુના પડોશી દેશો સિવાયના દેશોની સુરક્ષાને પણ અસર થશે. તેનાથી ચીન હોય કે ભારત હોય વિશ્વભરના દેશોને દૂરોગામી અસર થશે. આ મુદ્દે વિવિધ દેશોમાં વ્યાપક સર્વસંમતી છે.ભારત સોમવારે યુએન સિક્યોરિટી કાઉન્સિલમાં યુક્રેનના મુદ્દે મતદાન કરવાથી ગેરહાજર રહ્યું હતું. ભારતે જણાવ્યું હતું કે હાલમાં હકારાત્મક ડિપ્લોમસીની જરૂર છે અને આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષાના વ્યાપક હિતમા તમામ પક્ષોએ તંગદિલીમાં વધારો ન થાય તે સુનિશ્ચિત કરવું જોઇએ.