ભારતના નાણાપ્રધાન નિર્મલા સીતારમણે મંગળવાર, 26 એપ્રિલે સાન ફ્રાન્સિસ્કોમાં કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝ અને યુ.એસ ઇન્ડિયન બિઝનેસ કાઉન્સિલના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી બિઝનેસ લીડર અને રોકાણકારોની રાઉન્ડટેબલ મીટિંગમાં ભાગ લીધો હતો. (ANI Photo/ Ministry of Finance Twitter)

અમેરિકા ખાતેના અગ્રણી ઇન્ડિયન ડાયસ્પોરા સંગઠન FIIDSએ ભારતના શેરબજારમાં રોકાણ માટે બિનનિવાસી ભારતીયો (એનઆરઆઇ) અને ઓવરશીઝ સિટિઝન ઓફ ઇન્ડિયા (ઓસીઆઇ) કાર્ડહોલ્ડર્સને મંજૂરી આપવાની ભારતના નાણાપ્રધાન નિર્મલા સીતારમણ સમક્ષ 25 એપ્રિલે માગણી કરી હતી. ઇન્ડિયા ડાયાસ્પોરાએ ભારતના નાણાપ્રધાનની તાજેતરની અમેરિકા મુલાકાત દરમિયાન આ માગણી કરી હતી.

ફાઉન્ડેશન ફોર ઇન્ડિયા એન્ડ ઇન્ડિયન ડાયાસ્પોરા સ્ટડીઝ ((FIIDS) USAએ જણાવ્યું હતું કે આવી હિલચાલથી વૈશ્વિક ભારતીય સમુદાયનું રોકાણ આકર્ષી ભારતના અર્થતંત્રને વધુ વેગ આપી શકાશે. FIIDS અમેરિકા ખાતેની ઇન્સ્ટીટ્યૂટ ફોર યુએસ-ઇન્ડિયા પોલિસી સ્ટડી એન્ડ એવેરનેસ છે.

ભારતના નાણાપ્રધાન ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ અને વર્લ્ડ બેન્કની વાર્ષિક સ્પ્રિન્ગ મીટીંગોમાં હાજરી આપ્યા બાદ વેસ્ટ કોસ્ટ ગયા હતા. સીતારમણને કરેલી રજૂઆતમાં FIIDSએ જણાવ્યું હતું કે તાજેતરના સરવેમાં ઇન્ડિયન ડાયાસ્પોરા કમ્યુનિટીમાંથી 88 ટકા લોકોએ આ માગણીને સમર્થન આપ્યું છે.

બે જગ્યાએ ટેક્સમાંથી મુક્તિ માટે ડબલ ટેક્સ એવોઇડન્સ એગ્રીમેન્ટ વિસ્તૃત બનાવો

આ સંગઠને ડબલ ટેક્સ એવોઇડન્સ એગ્રીમેન્ટ (DTAA)ને વિસ્તૃત બનાવીને ભારતમાં કરપાત્ર થયેલી આવક પર અમેરિકામાં ટેક્સ લાગુ ન પડે તેની જોગવાઈ કરવાની પણ માગણી કરી હતી. જોકે તેમાં કેટલાંક નિયંત્રણો રાખવાનું પણ સૂચન કર્યું હતું. FIIDSએ જણાવ્યું હતું કે “તેનાથી રોકાણ પર બે જગ્યાએ ટેક્સ ભરવાનું ટાળી શકાશે અને બીજા દેશમાં ભરવામાં આવેલા ટેક્સ માટે ટેક્સ ક્રેડિટ મળશે.” આ ભલામણને સરવેમાં તરફેણ કરતાં 84 ટકા લોકોએ 5 રેટિંગમાંથી સરેરાશ 4.2 રેટિંગ આપ્યા હતા.

અમેરિકાની સરકાર સાથે સોશિયલ સિક્યોરિટીઝ સમજૂતી કરવાનો પણ અનુરોધ

અમેરિકાની સરકાર સાથે સોશિયલ સિક્યોરિટીઝ માટે સમજૂતી કરવાનો નાણાપ્રધાનને અનુરોધ કરતાં FIIDSએ જણાવ્યું હતું કે છેલ્લાં કેટલાંક વર્ષોમાં ઘણા આઇટી ઇમિગ્રન્ટ્સ ભારત પરત ફર્યા છે. આવા ભારતીય H1/b વિઝા હોલ્ડર્સ ભારતીયોએ સોશિયલ સિક્યોરિટી નંબર (SSN) ગુમાવવો પડે છે. તેથી અમે અમેરિકા સાથે સોશિયલ સિક્યોરિટી એગ્રીમેન્ટ (એસએસએ) કરવાનો અનુરોધ કરીએ છીએ. સરવેમાં આની તરફેણ કરતાં 84 ટકા લોકોએ 5માંથી 4 રેટિંગ આપ્યું હતું.