પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

રશિયાએ યુક્રેન ઉપર કરેલા યુદ્ધ પછી રશિયા અને બેલારુસના ખેલાડીઓ હવે આ વર્ષની ત્રીજી ગ્રાન્ડ સ્લેમ ટેનિસ સ્પર્ધા – વિમ્બલડનમાં રમી શકશે નહીં.

વિમ્બલ્ડને ગયા સપ્તાહે (20 એપ્રિલે) રશિયા અને બેલારુસના ખેલાડીઓ પર પ્રતિબંધનો નિર્ણય જાહેર કર્યો હતો. વિમ્બલ્ડનના આયોજક ઓલ ઈંગ્લેન્ડ લૉન ટેનિસ ક્લબે આ માહિતી આપી  હતી. ક્લબના એક આવેલા નિવેદનમાં જણાવાયું હતું કે, રશિયાનો વૈશ્વિક પ્રભાવ મર્યાદિત કરવા આ પગલું લેવાયું છે.

આ નિર્ણયથી પુરૂષોમાં વિશ્વના બીજા ક્રમના ખેલાડી ખેલાડી ડેનિલ મેડવેડેવ અને ચોથા ક્રમની મહિલા ખેલાડી – બેલારુસની આર્યના સબાલેંકાને અસર થશે. આ વર્ષે વિમ્બલ્ડન 27 જૂનથી 10 જુલાઈ સુધી યોજાશે.

જોકે પ્રોફેશનલ ટેનિસના પુરૂષો અને મહિલા સંગઠનો, આ ખેલાડીઓને વિવિધ ટુર્નામેન્ટમાં ભાગ લેતા અટકાવવાની તરફેણમાં નથી. તેમના મતે આ ખેલાડીઓને રમતા રોકવા અયોગ્ય ગણાય.

વિશ્વમાં 25 માં નંબરની યુક્રેનની એલિના સ્વિતોલિનાએ ઓલ ઈંગ્લેન્ડ લૉન ટેનિસ ક્લબના નિર્ણય સાથે સંમતિ દર્શાવતા કહ્યું હતું  સંકટના આ સમયમાં ચૂપ રહેવાનો અર્થ એ છે કે, તમે જે થઈ રહ્યું છે તેની સાથે સંમત છો. ક્યારેક મૌન વિશ્વાસઘાત બરાબર બની જાય છે, હવે સમય આવી ગયો છે જ્યારે આપણે અવાજ ઉઠાવવો પડશે અને ખુલ્લેઆમ વિરોધ કરવો પડશે.