ભારત સરકારે ડોમેસ્ટિક હવાઇ મુસાફરીના ભાડામાં 12.83 ટકા સુધીનો વધારો કર્યો છે. સરકારના નાગરિક અને ઉડ્ડયન મંત્રાલયે ડોમેસ્ટિક હવાઇ મુસાફરીના લઘુત્તમ અને મહત્તમ એમ બંને પ્રકારના ભાડા ઉપર મૂકવામાં આવેલી મર્યાદામાં 9.83 ટકાથી લઇને 12.82 ટકા સુધીનો વધારો જાહેર કર્યો છે.
ગયા વર્ષે કોરોના વાઇરસની મહામારીના પગલે લાદવામાં આવેલા લોકડાઉન બાદ 25 મે-2020થી દેશમાં ડોમેસ્ટિક હવાઇ મુસાફરી શરૂ કરવાને મંજૂરી આપવામાં આવી હતી અને તે સાથે સરકારે બંને પ્રકારના ભાડાની એક ચોક્કસ મર્યાદા નક્કી કરી હતી.
કોરોના વાઇરસના પગલે આર્થિક રીતે કટોકટીનો સામનો કરી રહેલી એરલાઇન્સ કંપનીઓને નાણાકીય મદદ કરવા સરકારે પગલું લીધું છે. ઉપરાંત જ્યારે વિમાનમાં સીટની માગમાં જ્યારે ભારે ઉછાળો આવે ત્યારે મુસાફરોને વધુ હવાઇ ભાડું ચૂકવવું ન પડે એવા હેતુથી ભાડાની મહત્તમ મર્યાદા પણ નિર્ધારિત કરી છે.
જો કે 12 ઓગસ્ટે જાહેર કરેલા સરકારી આદેશમાં મંત્રાલયે 40 કે તેથી ઓછી મિનિટની હવાઇ મુસાફરી માટેની જે રૂ. 2600ની લઘુતમ મર્યાદા હતી તેને 11.53 ટકા જેટલી વધારીને રૂ. 2900 કરી છે, જ્યારે 40 કે તેથી વધુ મિનિટની હવાઇ મુસાફરી માટેની મહત્તમ મર્યાદામાં 12.82 ટકાનો વધારો કરી તેને રૂ. 8800 જેટલી કરી છે. સમાન રીતે 40 થી 60 મિનિટ સુધીની હવાઇ મુસાફરી માટેની રૂ. 3300ની લઘુતમ મર્યાદાને વધારીને રૂ. 3700 કરી છે. આ ફ્લાઇટ માટે મહત્તમ મર્યાદાને પણ 12.24 ટકા જેટલી વધારીને રૂ. 11000 કરી છે.
60 થી 90 મિનિટ સુધીની હવાઇ યાત્રા માટેની લઘુતમ મર્યાદા રૂ. 4500 નિર્ધારિત કરાઇ છે જે 12.5 ટકાનો વધારો સૂચવે છે, જ્યારે આ ફ્લાઇટ માટેની મહત્તમ મર્યાદામાં 12.82 ટકાનો વધારો કરીને તેને રૂ. 13,200 કરી છે.
હવેથી 90-120, 120-150, 150-180 અને 180-210 મિનિટની હવાઇ મુસાફરીના ભાડાની લઘુતમ મર્યાદા અનુક્રમે રૂ. 5300, રૂ. 6700, રૂ. 8300, અને રૂ. 9800 નક્કી કરવામાં આવી છે. જે આ ભાડાંની રકમ અત્યાર સુધી અનુક્રમે રૂ. 4700, રૂ. 6100, રૂ. 7400 અને રૂ. 8700 હતી.