ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ અને ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે સાઉદી અરેબિયાની સૂચિત વર્લ્ડ ટી-20 લીગને સફળ નહીં થવા દેવાનો ઈરાદો ધરાવતા હોઈ બન્નેએ હાથ મિલાવ્યાના અહેવાલો છે. બીજી તરફ, ક્રિકેટ ઓસ્ટ્રેલિયા આ લીગની તરફેણમાં છે અને ત્યાં મેચોના આયોજન માટે પણ સંમતિ આપી છે.
ઈંગ્લેન્ડના અખબાર ‘ધ ગાર્ડિયન’ના અહેવાલ મુજબ, લોર્ડ્સમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ દરમિયાન, ECB અને BCCI એ આ નવી લીગનો વિરોધ કરવાનો નિર્ણય લીધો હતો. બંને બોર્ડ તેમના ખેલાડીઓને આ લીગમાં રમવા માટે ‘નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ’ (NOC) નહીં આપે અને ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ને પણ તેને મંજૂરી નહીં આપવા અપીલ કરશે.
ભારત અને ઈંગ્લેન્ડના બોર્ડનું સહિયારૂ વલણ એટલા માટે મહત્વનું છે કારણ કે ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને કારણે IPLનું શિડ્યૂલ બદલાયું હતું. IPL પ્લેઑફ દરમિયાન વેસ્ટ ઈન્ડિઝ-ઇંગ્લેન્ડ ODI સિરીઝની મેચ પણ હતી. આ કારણે, ECBએ જોસ બટલર, જેકબ બેથેલ અને વિલ જેક્સને IPLના વિક્ષેપ પછીના બીજા તબક્કામાં રમવાની મંજૂરી આપી નહોતી. એ પછી બન્ને બોર્ડના સંબંધો બગડવાની ચર્ચા થઈ હતી.
સાઉદી સ્થિત SRJ સ્પોર્ટ્સ ઇન્વેસ્ટમેન્ટ્સ નવી લીગમાં £400 મિલિયન (લગભગ રૂ. 4,400 કરોડ)નું રોકાણ કરવાની યોજના ધરાવે છે, જેમાં દર વર્ષે આઠ ટીમ ચાર અલગ અલગ સ્થળોએ ટુર્નામેન્ટ રમશે.
ક્રિકેટ ઓસ્ટ્રેલિયા આ નવી લીગની તરફેણમાં છે. તે તેના દેશમાં ચાર ટુર્નામેન્ટમાંથી એકનું આયોજન કરવા તૈયાર પણ
છે. ઓસ્ટ્રેલિયાની બિગ બેશ લીગમાં હજુ સુધી કોઈ મોટું ખાનગી રોકાણ થયું નથી.બીજી તરફ, ECBએ ધ હંડ્રેડ લીગમાં તેનો 49% હિસ્સો વેચીને £520 મિલિયનની (લગભગ રૂ. 5700 કરોડ) કમાણી કરી લીધી છે તો ક્રિકેટ સાઉથ આફ્રિકાએ પણ SA20 લીગની ફ્રેન્ચાઇઝી વેચીને £100 મિલિયન (5000 કરોડ) થી વધુ એકત્ર કર્યા છે.
આ લીગ અંગે ICC એ હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.
