અમેરિકા સાથે ટ્રેડ ડીલમાં અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે ત્યારે ભારતે યુરોપિયન યુનિયન (EU) સાથે 27 જાન્યુઆરીએ ટ્રેડ ડીલ પર હસ્તાક્ષર કરે તેવી પ્રબળ સંભાવના છે. ભારતના પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં યુરોપિયન યુનિયનના નેતાઓ એન્ટોનિઓ કોસ્ટા અને ઉર્સુલા વોન ડેર લેએન ઉપસ્થિત રહેવાના છે. EUના નેતાઓ 27 જાન્યુઆરીએ યોજાનારી ભારત-EU સમિટમાં હાજરી આપશે. અગાઉ ભારતની મુલાકાતે આવેલા જર્મન ચાર્સેલર ફેડરિક મર્ઝે પણ આ મહિનાના અંત ભાગમાં સમજૂતી થવાનો સ્પષ્ટ સંકેત આપ્યો હતો.
આ કરારમાં કૃષિ ક્ષેત્રનો સમાવેશ કરાયો નથી. ભારતના સૌથી મોટા વ્યાપારી ભાગીદારોમાં EUનો સમાવેશ થાય છે. નાણાકીય વર્ષ 2023-24માં દ્વિપક્ષી વેપાર 135 અબજ ડોલર હતો. બંને પક્ષે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થવાથી વ્યાપારી સંબંધો વધારે મજબૂત થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણથી યુરોપિયન કાઉન્સિલ અધ્યક્ષ એન્ટોનિઓ લુઈસ સેન્ટોસ ડી કોસ્ટા અને યુરોપિયન કમિશન પ્રેસિડેન્ટ ઉરસુલા વોન ડેર લેઈન 25થી 27 જાન્યુઆરી દરમિયાન ભારતની મુલાકાતે આવી રહ્યા છે. 77મા ગણતંત્ર દિવસની ઉજવણીમાં તેઓ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે.
ભારત દ્વારા દર વર્ષે ગણતંત્ર દિવસની ઉજવણીમાં વિદેશી મહાનુભાવોને આમંત્રિત કરાય છે. આ વર્ષે આવી રહેલા EU સંઘની સત્તાવાર યાદી મુજબ, ભારત સાથેની વ્યૂહાત્મક ભાગીદારીનું નિર્માણ કરવા અને મહત્ત્વના ક્ષેત્રોમાં જોડાણ મજબૂત બનાવવાના હેતુથી આ સમિટ યોજાઈ રહ્યું છે. સમિટ દરમિયાન ટ્રેડ, સિક્યુરિટી, ડીફેન્સ, ક્લીન ટ્રાન્સિશન અને પીપલ ટુ પીપલ કો-ઓપરેશન અંગે ચર્ચા થશે.
કોસ્ટાએ કહ્યું હતું કે, EU માટે ભારત મહત્ત્વનું ભાગીદાર છે. બંને પક્ષ પાસે નિયમ આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાનું રક્ષણ કરવાની ક્ષમતા છે. ભાગીદારીના નિર્માણ સાથે સહકારને વેગ આપવાની તક આ બેઠકમાં મળશે. સૂત્રોના જણાવ્યા મુજબ, સમિટ દરમિયાન ફ્રી ટ્રેડ ડીલ પર મંજૂરીની મહોર માગશે.














