કેનેડામાં ભારતના દુતાવાસના સ્ટાફને મળતી ધમકીને કારણે ભારતે ગુરુવાર, 21 સપ્ટેમ્બરે કેનેડિયન નાગરિકો માટે તમામ પ્રકારની વિઝા સેવાઓ સ્થગિત કરી દીધી હતી, એમ ભારતના વિદેશ મંત્રાલયના પ્રવકતા અરિંદમ બાગચીએ જણાવ્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે કેનેડિયન સરકારની નિષ્ક્રિયતાને કારણે સુરક્ષા સામે જોખમ ઊભું થયું છે અને તેનાથી વિઝા સર્વિસમાં વિક્ષેપ આવ્યો છે અને અમે વિઝા અરજીઓ સ્થગિત કરી છે. ઇ-વિઝા સહિત તમામ કેટેગરીના વિઝા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે કેનેડામાં અમારા હાઈ કમિશન અને કોન્સ્યુલેટની સુરક્ષા સામે જોખમ છે. આનાથી તેમની સામાન્ય કામગીરીમાં વિક્ષેપ પડ્યો છે. તેથી અમારા હાઈ કમિશન અને કોન્સ્યુલેટ અસ્થાયી રૂપે વિઝા અરજીઓ પ્રોસેસ કરવામાં અસમર્થ છે. અમે નિયમિત ધોરણે પરિસ્થિતિની સમીક્ષા કરીશું.

કેનેડા વિઝા આપવામાં ભેદભાવ કરતું હોવાનો દાવો કરીને બાગચીએ જણાવ્યું હતું કે ભારત સરકારે ઇલેક્ટ્રોનિક વિઝાના મુદ્દાને પણ સ્થગિત કરી દીધો છે. તમામ કેટેગરીના વિઝા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ભારતની મુસાફરીનો મુદ્દો નથી… જેમની પાસે માન્ય વિઝા છે (આ સસ્પેન્શન ઓર્ડર પહેલાં જારી કરવામાં આવ્યા છે) તેઓ ભારતની મુસાફરી કરી શકે છે. અમારા હાઇકમિશન અને કોન્સ્યુલેટ્સની કામગીરી ખોરવાઈ જાય તેવું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે તે મૂળ મુદ્દો છે.

અગાઉ કેનેડિયન નાગરિકોની વિઝા અરજીઓની પ્રારંભિક ચકાસણી માટે રાખવામાં આવેલી ખાનગી એજન્સીએ BLS ઇન્ટરનેશનલે એક નોટિસમાં જણાવ્યું હતું કે “ઓપરેશનલ કારણોને લીધે… ભારતીય વિઝા સેવાઓ આગળની સૂચના સુધી સ્થગિત કરવામાં આવી છે.” આ નોટિસ સૌ પ્રથમ ગુરુવાર, 21 સપ્ટેમ્બરે બીએલએસની વેબસાઇટ પર મૂકાઈ હતી. તેમાં જણાવાયું હતું કે “ભારતીય મિશન તરફથી મહત્વપૂર્ણ સૂચના: ઓપરેશનલ કારણોસર, 21 સપ્ટેમ્બર 2023થી, ભારતીય વિઝા સેવાઓ આગળની સૂચના સુધી સ્થગિત કરવામાં આવી છે.”

કેનેડાના કેટલાંક વિસ્તારોમાં ભારત વિરોધી પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખીને ભારતે બુધવારે કેનેડામાં રહેતા ભારતના નાગરિકોને અને ત્યાં મુસાફરી કરવાનું વિચારી રહેલા લોકોને અત્યંત સાવધાની રાખવાની સલાહ આપી હતી. કેનેડાની કથળતી જતી સુરક્ષા સ્થિતિને ધ્યાનમાં રાખીને ખાસ કરીને ભારતીય વિદ્યાર્થીઓને અત્યંત સાવધાની રાખવાની અને જાગ્રત રહેવાની સલાહ અપાઈ છે.

ગયા જૂનમાં ખાલિસ્તાની અલગતાવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટોની સંભવિત સંડોવણીના કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના ગંભીર આક્ષેપોને પગલે બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધો વણસ્યા છે. વિદેશ મંત્રાલયે એડવાઈઝરીમાં જણાવ્યું હતું કે કેનેડામાં ભારત વિરોધી ગતિવિધિઓ, વંશિય ગુના અને ગુનાહિત હિંસામાં વધારો થઈ રહ્યો છે. હેટ ક્રાઇમને રાજકીય માફી મળી રહી છે. તેથી કેનેડામાં રહેલા તમામ ભારતીય નાગરિકો અને ત્યાં પ્રવાસ કરવાની વિચારણા કરી રહેલા લોકોને અત્યંત સાવધાની રાખવા વિનંતી કરવામાં આવે છે. તાજેતરમાં ભારતીય રાજદ્વારીઓ અને ભારત વિરોધી એજન્ડાનો વિરોધ કરતાં ભારતીય સમુદાયોને ટાર્ગેટ કરવાની ધમકીઓ અપાઈ હતી. તેથી આવી ભારત વિરોધી પ્રવૃત્તિઓ થાય છે તેવા કેનેડાના વિસ્તારોનો પ્રવાસ ટાળવા માટે ભારતીય નાગરિકોને સલાહ આપવામાં આવે છે.

વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે કેનેડામાં ભારતીય સમુદાયની સલામતી અને સુખાકારી સુનિશ્ચિત કરવા માટે ભારતીય હાઈકમિશન અને કોન્સ્યુલેટ જનરલ કેનેડિયન અધિકારીઓ સાથે સંપર્કમાં રહેશે.

 

LEAVE A REPLY

16 − 13 =