ભારતના વિદેશ મંત્રાલય (MEA)એ ગુરુવાર, 30 ઓક્ટોબરે જણાવ્યું હતું કે ઈરાનમાં ભારત સંચાલિત ચાબહાર પોર્ટ પર અમેરિકન પ્રતિબંધો લાગુ પડશે નહીં. ભારત સરકારે ગયા વર્ષે ઈરાન સાથે 10 વર્ષના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા જેમાં સરકારી કંપની ઈન્ડિયા પોર્ટ્સ ગ્લોબલ લિમિટેડ (IPGL)એ ભારત માટે એક વ્યૂહાત્મક બંદરમાં $370 મિલિયનના રોકાણનું વચન આપ્યું હતું.
ભારત અને અમેરિકા વચ્ચે એક મોટા વેપાર કરારને અંતિમ સ્વરૂપ આપવા માટે વાટાઘાટો કરી રહ્યાં છે ત્યારે આ જાહેરાત થઈ હતી. અગાઉ ટ્રમ્પ વહીવટીતંત્રે ઈરાનમાં ચાબહાર પોર્ટના ઓપરેટર્સ પર 29 સપ્ટેમ્બર 2025ની અસરથી પ્રતિબંધો મૂકવાની જાહેરાત કરી હતી. પાકિસ્તાનને બાયપાસ કરવા ભારતે પોર્ટ ડેવલપ કર્યું છે અને ભારત તેનું ઓપરેટર્સ છે. આ પોર્ટ અફઘાનિસ્તાન અને મધ્ય એશિયા માટે ભારતનું વ્યૂહાત્મક પ્રવેશદ્વાર છે.
ભારત પ્રાદેશિક વેપારને વેગ આપવા માટે, ખાસ કરીને અફઘાનિસ્તાન સાથેના તેના જોડાણ માટે ચાબહાર બંદર પ્રોજેક્ટનો હિસ્સો બનેલું છે. ચાબહાર બંદરને INSTC પ્રોજેક્ટનું એક મુખ્ય હબ માનવામાં આવે છે. ઇન્ટરનેશનલ નોર્થ-સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોર (INSTC) એ ભારત, ઈરાન, અફઘાનિસ્તાન, આર્મેનિયા, અઝરબૈજાન, રશિયા, મધ્ય એશિયા અને યુરોપ વચ્ચે માલસામાનની હેરફેર માટે 7,200 કિમી લાંબો મલ્ટી-મોડ ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ છે.













