પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં જીડીપીમાં 7.5 ટકાના ઘટાડા સાથે ભારતનું અર્થતંત્ર સત્તાવાર રીતે મંદીમાં પ્રવેશ્યું છે. પ્રથમ ક્વાર્ટરમાં ભારતની જીડીપીમાં 23.9 ટકાનો જંગી ઘટાડો થયો હતો. સતત બે ક્વાર્ટર સુધી જીડીપીમાં ઘટાડાનો અર્થ થાય છે કે ભારત ટેકનિકલ મંદીમાં સરી પડ્યું છે. 1997-98ના નાણાકીય વર્ષમાં ભારતે જીડીપીના ત્રિમાસિક અંદાજ જારી કરવાનું ચાલુ કર્યા બાદ ભારત પ્રથમ વખત મંદીમાં આવ્યું છે. ભારતની વાર્ષિક જીડીપીમાં અગાઉ ચાર વખત ઘટાડો થયો હતો. છેલ્લે 1979-80માં ભારતની વાર્ષિક જીડીપીમાં ઘટાડો થયો હતો.

શુક્રવારે નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસે જારી કરેલા ડેટા અનુસાર ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં ભારતના કૃષિ ક્ષેત્રનો વૃદ્ધિદર 3.4 ટકા રહ્યો હતો, જે પ્રથમ ક્વાર્ટરમાં પણ 3.4 ટકા હતો. માઇનિંગ ક્ષેત્રના ઉત્પાદનમાં બીજા ક્વાર્ટરમાં 9.1 ટકાનો ઘટાડો થયો હતો. અગાઉના ક્વાર્ટરમાં તેમાં 23.3 ટકાનો તીવ્ર ઘટાડો થયો હતો. મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં 0.6 ટકા વૃદ્ધિ જોવા મળી હતી. આ સેક્ટરમાં પ્રથમ ક્વાર્ટરમાં 39.3 ટકાનો તીવ્ર ઘટાડો થયો હતો. કંન્સ્ટ્રક્શન ક્ષેત્રનો 8.6 ટકાનો ઘટાડો થયો હતો. પ્રથમ ક્વાર્ટરમાં તેમાં 50.3 ટકાનો જંગી ઘટાડો થયો હતો. જોકે પ્રથમ ક્વાર્ટરની સરખામણીમાં બીજા ક્વાર્ટરમાં અર્થતંત્રમાં રિકવરી આવી છે.