અમેરિકાના હેલ્થ સેક્રેટરી ઝેવિયર બેસેરાએ ગાંધીનગરમાં શુક્રવારે જણાવ્યું હતું કે, દવાઓનો પૂરવઠો પૂરો પાડવામાં ભારત એક અનિવાર્ય ભાગીદાર છે.
બેસેરાએ વધુમાં જણાવ્યું હતું કે, તેમના દેશના એક ઉચ્ચ અધિકારી અમેરિકામાં કેન્સર સહિત કેટલીક મહત્ત્વની દવાઓની અછતના મુદ્દે ટૂંક સમયમાં ભારતની મુલાકાતે આવશે. જી 20ના આરોગ્ય પ્રધાનોની બેઠકમાં ભાગ લેવા ગાંધીનગર ગયેલા બેસેરાએ પત્રકારોને જણાવ્યું હતું કે, જ્યારે દવાઓની વાત આવે છે ત્યારે ભારત સાથે અમારો મજબૂત સંબંધ છે અને આ બાબતે અમે પરસ્પર નિર્ભર છીએ. જ્યારે આ દવાઓ અમારા માટે જ નહીં પરંતુ વિશ્વ માટે ઉપલબ્ધ કરાવવાની વાત આવે ત્યારે અમે બંને સાથે મળીને તેમાં આગળ વધી શકીએ છીએ.

બેસેરાએ ગાંધીનગરમાં જી-20 આરોગ્ય પ્રધાનોની બેઠક સાથે-સાથે અન્ય દેશો સાથે દ્વિપક્ષીય બેઠકોમાં ભાગ લીધો હતો. તેમણે કહ્યું કે અમેરિકા કેન્સરની કેટલીક દવાઓના પૂરવઠામાં અડચણોનો સામનો કરી રહ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કેન્સરની દવાઓની અછત નિવારવા માટે યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ)ના કમિશ્નર રોબર્ટ કેલિફ ટૂંક સમયમાં ભારતની મુલાકાત લેશે. અમે પણ કોઈપણ દવાઓ મેળવવામાં કસર બાકી રાખવા ઇચ્છતા નથી. અમેરિકાને જરૂરી દવાઓ ઉપલબ્ધ કરાવવામાં ભારત એક અનિવાર્ય ભાગીદાર છે.

LEAVE A REPLY

19 + ten =