કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ લોકડાઉનને કારણે ઠપ થઈ ગયેલી અર્થવ્યવસ્થા અંગે નોબેલ વિજેતા અભિજીત બેનર્જીને સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન કોરોના મહામારીની ઈકોનોમી પર અસર અને તેનો સમાનો કરવાના ઉપાયો પર લગભગ અડધા કલાક સુધી ચર્ચા થઈ હતી. અભિજીત બેનર્જીએ સલાહ આપી કે, લોકોને હાથમાં રોકડ પહોંચાડવાની જરૂર છે, આવામાં હાલ દેવા માફ કરવા જોઈએ અને લોકોને રોકડની મદદ કરવી જોઈએ.

અભિજીતે જણાવ્યું કે, આપણે જે પેકેજ જાહેર કર્યા તે જીડીપીના 1 ટકાની બરાર છે જ્યારે અમેરિકામાં 10 ટકા સુધીના પેકેજ જાહેર કરાયા છે. એમએસએમઈ સેક્ટરને વધારે રાહત આપવાની જરૂર છે. રાહુલ ગાંધીએ સવાલ કર્યો કે, આજે બજારમાં કેશમાં મુશ્કેલી પડશે, બેંકોની સામે કેવા પડકાર હશે અને નોકરીઓ બચાવવી મુશ્કેલ થશે. જેનો જવાબ આપતા અભિજીતે જણાવ્યું કે, આ વાત સાચી થવા જઈ રહી છે, આવામાં દેશને આર્થિક પેકેજની જરૂર છે. અમેરિકા-જાપાન જેવા દેશોએ આવું કર્યું છે પરંતુ આપણે ત્યાં થયું નથી.

નાના ઉદ્યોગોને મદદ કરવી જોઈએ. રાહુલ ગાંધીએ પૂછ્યું કે, આજે દેશમાં રાશન કાર્ડની અછત છે લોકોની પાસે ખોરાક નથી. અભિજીતે જણાવ્યું કે, મેં આ મુદ્દે પહેલા પણ સલાહ આપી હતી કે, સરકારે હવે રાશન કાર્ડ જાહેર કરવા જોઈએ, જે ઓછામાં ઓછા ત્રણ મહિના માટે કામ કરે અને દરેકને મફતમાં રાશન મળી શકે. અભિજીતે વધુમાં જણાવ્યું હતું કે, જો દરેક વ્યક્તિને નાણાં પહોંચાડવા છે તો તેના માટે વાતાવરણ જોઈએ. જેમના ખાતા છે તેમને તો નાણાં મળી જશે પરંતુ જેમની પાસે બેંક એકાઉન્ટ નથી તેમના વિશે પણ વિચારવું જોઈએ. આવામાં રાજ્ય સરકારોએ વધારે મદદ કરવી પડશે જેથી લોકોને નાણાં પહોંચાડી શકાય.