(istockphoto.com)

ભારતીય ક્રિકેટ બોર્ડે વ્યસ્ત કાર્યક્રમ અને ન્યૂઝિલેન્ડમાં ક્વૉરન્ટાઈનના કડક નિયમોને કારણે ચાલુ વર્ષના અંતમાં ન્યૂઝિલેન્ડનો સૂચિત પ્રવાસ એક વર્ષ માટે સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. ભારતીય ટીમ હવે આવતા વર્ષે ઓસ્ટ્રેલિયામાં રમાનારા ટી-૨૦ વર્લ્ડ કપ પછી ન્યૂઝિલેન્ડના પ્રવાસે જશે અને ત્યાં વન ડે શ્રેણી રમશે, જે વન-ડે સુપર લીગનો ભાગ હશે. ન્યૂઝિલેન્ડમાં ભારતે ત્રણ વન ડે મેચ રમવાની છે.

ભારતીય ટીમ આ વર્ષે ન્યૂઝિલેન્ડ પ્રવાસે જાય તો ત્યાંની સરકારના કોવિડ પ્રોટોકોલ અનુસાર ક્રિકેટરોને ૧૪ દિવસ ક્વોરન્ટાઈન થવું પડે. આ સંજોગોમાં ભારતીય ક્રિકેટ ટીમનો ન્યૂઝિલેન્ડ પ્રવાસ એક વર્ષ માટે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો છે. અલબત્ત, ન્યૂઝિલેન્ડની ટીમ નવેમ્બરમાં બે ટેસ્ટ અને ત્રણ ટી-૨૦ રમવા માટે ભારત આવી જ રહી છે.
વિલિયમસનની આગેવાની હેઠળની ન્યૂઝિલેન્ડની ટીમ ભારત પ્રવાસ પૂર્ણ કરીને સ્વદેશ પરત ફરશે, ત્યારે તેમને ૧૪ દિવસ ક્વોરન્ટાઈન રહેવું પડશે. આ જ કારણે ન્યૂઝિલેન્ડ બોર્ડ ઘરઆંગણે ૨૬મી ડિસેમ્બરથી બોક્સિંગ ડે ટેસ્ટ રમાડી નહીં શકે. આ ઉપરાંત બાંગ્લાદેશ સામેની શ્રેણીની પ્રથમ ટેસ્ટ પણ ૨૮ ડિસેમ્બર કે તે પછી આયોજીત કરવી પડશે.