. (Photo by Jeff J Mitchell/Getty Images)

ભારતીય મુસાફરો માટે વેક્સિન માન્યતા અંગેની યુકે સરકારની પ્રક્રિયા અંગે ગૂંચવળો ઊભી થઈ છે. ભારતમાં ઉત્પાદિત ઓક્સફોર્ડ-એસ્ટ્રેઝેનેકા કોરોના વેક્સિન કોવિશિલ્ડનો યુકેની નવી ઇન્ટરનેશનલ ટ્રાવેલ એડવાઈઝરીમાં સમાવેશ થયો છે. આનો અર્થ એવો થાય છે કે યુકેની નવી ટ્રાવેલ ગાઇડલાઇનમાં કોવિશીલ્ડને  માન્ય વેક્સિન ગણવામાં આવી છે, પરંતુ ફુલી વેક્સિનેટેડ ભારતીય ટ્રાવેલરે હજુ પણ ક્વોરેન્ટાઇન થવું પડશે, કારણ  કે  ભારત હજુ 17 માન્ય દેશોની યાદીમાં સામેલ નથી.

યુકેના આરોગ્ય અને સામાજિક સંભાળ વિભાગ (DHSC)એ બુધવારે જણાવ્યું હતું કે તેઓ આ અંગે પુષ્ટી આપી શકે તેમ નથી અને વધુ સ્પષ્ટતાની જરૂર છે. જોકે ટ્રાવેલ એડવાઇઝરીમાં જણાવાયું છે કે એસ્ટ્રાઝેનેકા કોવિશિલ્ડ, એસ્ટ્રેઝેનેકા વેક્સઝેવરિયા અને મોડર્ના ટકેડા જેવી ચાર લિસ્ટેડ વેક્સિનના ફોર્મ્યુલેશન માન્ય વેક્સિન તરીકે ક્વોલિફાય થાય છે. યુકે સરકારની સાઇટમાં જણાવાયું છે કે 4 ઓક્ટોબરે સવારે 4 વાગ્યાથી ચોક્કસ દેશોની સંબંધિત જાહેર આરોગ્ય સંસ્થામાંથી વેક્સિન લીધેલા મુસાફરોને ફુલી વેક્સિનેટેડ ગણવામાં આવશે. આ યાદીમાં ભારતનો સમાવેશ થયો નથી. આનો અર્થ એવો થાય છે કે ભારત એમ્બર લિસ્ટમાં હોવા છતાં સીરમ દ્વારા ઉત્પાદિત કોવિશિલ્ડના બંને ડોઝ લીધેલા ભારતીય લોકોને ક્વોરેન્ટાઇન થવું પડશે.

બ્રિટને 4 ઓક્ટોબરે ઇન્ટરનેશન ટ્રાવેલ ધોરણોમાં માન્ય વેક્સિનની યાદીમાં સીરમ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ઇન્ડિયા દ્વારા ઉત્પાદિત કોવિશિલ્ડ વેક્સિનનો સમાવેશ ન કરતાં મોટો વિવાદ ઊભો થયો હતો. તેનાથી ભારતે વળતા પગલાં લેવાની પણ ચીમકી આપી હતી.

ચાર ઓક્ટોબરથી રેડ, એમ્બર અને ગ્રીન દેશોની હાલની ટ્રાફિક લાઇટ સિસ્ટમ રદ છે અને તેની જગ્યાએ માત્ર એક રેડ લિસ્ટ રહેશે. જોકે કોવિશિલ્ડ સહિતની કોઇ પણ વેક્સિનના બંને ડોઝ લીધેલા ભારતીય મુસાફરો યુકેના પાત્રતાના માપદંડોમાં આવે છે કે નહીં તે અંગે સ્પષ્ટતાનો અભાવ છે.