મહારાષ્ટ્રમાં મંગળવારે ઓમિક્રોનના નવા આઠ કેસ નોંધાયા હતા. આની સાથે મહારાષ્ટ્રમાં કુલ કેસની સંખ્યા વધીને 28 થઈ છે, જે દેશમાં સૌથી વધુ છે. દેશમાં ઓમિક્રોનના કુલ 57 કેસ નોંધાઈ ચુક્યા છે. દિલ્હીમાં ઓમિક્રોનના નવા 4 કેસની સાથે રાજધાનીમાં નવા વેરિયન્ટના કેસની સંખ્યા વધીને છ થઈ છે. આ પહેલા રાજસ્થાનમાં ઓમિક્રોનના નવા કેસ મળ્યા હતા.

દિલ્હીમાં મંગળવારે ઓમિક્રોન વેરિયન્ટના નવા ચાર કેસ નોંધાયા હતા અને આ તમામ લોકોએ વિદેશમાં પ્રવાસ કર્યો હતો. કોરોનાનો ઓમિક્રોન વેરિયન્ટ સુધી સુધી કમ્યુનિટીમાં ફેલાયો નથી અને સ્થિતિ અંકુશ હેઠળ છે, એમ દિલ્હીના આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈને જણાવ્યું હતું. દિલ્હીમાં અત્યાર સુધી ઓમિક્રોનના છ કેસ મળ્યા છે. તેમાંથી એકને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ તમામ લોકોએ વિદેશમાં મુસાફરી કરી હતી અને તમામને એરપોર્ટ પરથી લોક નાયક જય પ્રકાશ નારાયણ હોસ્પિટલમાંથી ટ્રાન્સફર કરાયા હતા. પાંચ ઓમિક્રોન પોઝિટિવ લોકોની તબિયત સ્થિર છે. એરપોર્ટ પરથી અત્યાર સુધી 74 ટ્રાવેલરને હોસ્પિટલમાં ટ્રાન્સફર કરાયા છે.

ભારતમાં મંગળવારે કોરોના વાઇરસના નવા 5,784 કેસ નોંધાયા હતા, જે 571 દિવસમાં સૌથી ઓછા છે. દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 88,993 થઈ હતી. નવા કેસ સાથે દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા વધીને 3.47 કરોડ થઈ છે. દેશમાં એક દિવસમાં 252ના મોત સાથે મૃત્યુઆંક વધીને 4.75 લાખ થયો હતો, એમ આરોગ્ય મંત્રાલયે સવારે આઠ વાગ્યે જણાવ્યું હતું.